ભરૂચ લૂંટ કેસનો આરોપી ઝડપાયો:દસ વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે તમિલનાડુમાંથી દબોચ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. લગભગ 10 વર્ષથી નાસતો ફરતો આરોપી અરૂણાચલમ જંબુલીંગમ (ઉંમર 53, રહેવાસી થંજાવુર, તમિલનાડુ)ને પોલીસ દ્વારા તેના વતન થંજાવુર,તમિલનાડુ માંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
માહિતી મુજબ, તા.12 ડિસેમ્બર 2015ના રોજ ભરૂચના ઝાડેશ્વર નજીક ચામુંડા માતાના મંદિર પાસે આવેલી નર્મદા ઓટો પાર્ટ્સ દુકાનમાં 12 જેટલા શખ્સોએ હથિયાર સાથે ધાડ પાડી હતી. દુકાનના માલિકને બંધક બનાવી સોના- ચાંદીના દાગીના, મોબાઇલ અને રોકડ મળી કુલ આશરે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી તમામ આરોપીઓ ફરાર થયા હતા.
સદર ગુનામાં ત્રણ આરોપીઓને અગાઉ ઝડપી પાડીને ચાર્જશીટ કરવામાં આવી હતી. પરંતુ અરૂણાચલમ જંબુલીંગમ છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ ઇન્સ્પેકટર વી.એ.ડોડીયા તથા સર્વેલન્સ ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તેની વિગતો મેળવી તામિલનાડુમાંથી તેને કાબૂમાં લીધો હતો.