પંચમહાલ જિલ્લામાં ચોમાસાથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ શરૂ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સૂચના મુજબ, પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓ પર સમારકામ અને પેચવર્કનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
ચોમાસામાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે, બોડેલી – હાલોલ રોડ, ટુવા – રતનપુર – મેહલોલ રોડ, પાવાગઢ હિલ રોડ અને શહેરા – છાણી – મોરવા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક અને માર્ગ દુરસ્તીકરણની કામગીરી ચાલી રહી છે.
આ કામગીરીનો મુખ્ય હેતુ જિલ્લાના લોકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસોથી વાહનચાલકો અને મુસાફરોને મોટી રાહત મળશે.