ડેડીયાપાડા 30 મહિલા ખેડૂત બહેનો તથા 20 જેટલા ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતીનો તાલીમ અપાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 19/09/2025 – કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે મહિલાઓને ખેતી કાર્યમાં વધુ શ્રમ ન પડે અને તેમની કાર્ય કરવાની ક્ષમતા વધે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા શુભ આશયથી બિયારણ વાવણી, નીંદામણ, ઉણપવું જેવા કાર્ય માટે હેન્ડ વીડર અને ચીપીયા અંગે નિદર્શનાત્મક તાલીમ યોજાઈ હતી.
આ પ્રસંગે KVKના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એચ.યુ. વ્યાસે જણાવ્યું કે, ખેતી માટે આવા સુધારેલા સાધનો દ્વારા મહિલા ખેડૂતો ખેતી કાર્ય ઝડપી કરી શકે છે અને મજૂરીમાં નોંધપાત્ર બચત થાય છે. ડો. એમ.વી. તિવારીએ હેન્ડ વીડર અંગે વિગતવાર સમજ આપતા જણાવ્યું કે, આ સાધન બે પૈડાવાળું છે અને પાકની વાવણી બાદ 20 થી 25 દિવસ વચ્ચે પાકની હાર વચ્ચે નીંદણ કાઢવા માટે ઉપયોગી છે, તેના માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. આ સાધનનો ઉપયોગ કરતાં ગોઠણવાળી બેસવાની જરૂર રહેતી નથી, જેના કારણે હાથ-પગના સ્નાયુઓ, કમર અને ઢીંચણમાં દુ:ખાવો થતો નથી. દાતરડાંની સરખામણીમાં મહિલાઓની કાર્યક્ષમતામાં ત્રણ ગણો વધારો થાય છે.
કાર્યક્રમ દરમિયાન મેથડ ડેમો દ્વારા ખેડૂત બહેનોને પ્રાયોગિક રીતે સાધનોનો ઉપયોગ અંગે સમજાવવામાં આવ્યા હતા. ડો.વી.કે. પોશીયાએ ખેતી ખર્ચ કેવી રીતે ઘટે તેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે અગ્રીમ હરોળ નિદર્શન હેઠળ ટ્વીન વ્હીલ હો (કરબડી) અને ચીપીયા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં 30 મહિલા ખેડૂત બહેનો તથા 20 જેટલા ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.