મહીસાગર પોલીસની માનવતા :
રાત્રિના સમયે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની વ્હારે આવી
*****
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર રોડ પર મોરવા હડફના ભંડોઇ ગામના એક પરિવારને અમદાવાદથી પરત ફરતા સમયે રાત્રે અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મહીસાગર પોલીસે દેવદૂત બનીને તેમને મદદ કરી હતી. આ ઘટનાએ પોલીસની ફરજનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોલીસ અધિક્ષકશ્રી સફીન હસનની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ લુણાવાડા-સંતરામપુર રોડ પર રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી. લુણાવાડાથી આશરે ૧૦ કિલોમીટર દૂર, રામ પટેલના મુવાડા પાસે, પોલીસને એક કાર રોડની બાજુમાં બંધ હાલતમાં જોવા મળી. શંકા જતાં, PSI શ્રી શક્તિસિંહ બી. ઝાલા, ASI શ્રી મહેન્દ્રભાઈ બાપુભાઈ, અને PC શ્રી અર્જુનભાઈ વાલજીભાઈની ટીમ કાર પાસે પહોંચી.
કારમાં એક દંપતી તેમના દોઢ વર્ષના બાળક સાથે ગભરાયેલી હાલતમાં બેઠેલા હતા. પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા જણાવ્યું અને કહ્યું કે તેઓ અમદાવાદથી પોતાના ગામ ભંડોઇ પરત જઈ રહ્યા હતા. નિર્જન વિસ્તારમાં તેમની કારનું પેટ્રોલ ખૂટી ગયું હતું અને તેમનો મોબાઈલ ફોન પણ ડિસ્ચાર્જ થઈ ગયો હતો. તેમની પાસે રોકડ રકમ ન હોવાથી, તેઓ પેટ્રોલ પુરાવી શક્યા નહોતા અને આશા છોડીને બેસી રહ્યા હતા.
પરિવારની ગંભીર પરિસ્થિતિ સમજીને, પોલીસે તરત જ કાર્યવાહી કરી. ASI શ્રી મહેન્દ્રભાઈએ પરિવારને કાર પાસે સુરક્ષિત રાખીને, ગોધર ગામ ખાતેના પેટ્રોલ પંપ પરથી સરકારી વાહનમાં પેટ્રોલ લાવ્યા. તેમણે કારમાં પેટ્રોલ નાખીને ગાડી ફરીથી ચાલુ કરી આપી અને પરિવારને તેમના ગંતવ્ય સ્થાન તરફ સુરક્ષિત રીતે રવાના કર્યા.
મુશ્કેલીના સમયે મળેલ આ ત્વરિત અને માનવીય મદદ બદલ પરિવારે મહીસાગર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસને ટ્રાફિક પોલીસના આ કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.આ ઘટના મહીસાગર પોલીસની પ્રજાલક્ષી અને સંવેદનશીલ કામગીરીનું પ્રતીક છે.