નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ આરોગ્યલક્ષી જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૯: સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય કેન્દ્રો – સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તથા આયુષ્માન આરોગ્ય મંદિરો ધોલાઈ, તલોધ, બિલીમોરા, એંધલ, ભાઠા, તોરણગામ, ગડત, કુંભારફળિયા,અષ્ટગામ, સદલાવ ખાતે આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા બહેનો – કિશોરીઓના આરોગ્યની તપાસ, ટી.બી., રક્ત્તપિત્ત, સીકલસેલ, એનિમિયા, બિન ચેપી રોગો ( બ્લડ પ્રેશર, સુગર, કેન્સર વગેરે) નું સ્ક્રીનીંગ, તથા પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત આયુષ્માનકાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે આરોગ્યલક્ષી માહિતી – આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમઝર તા.વાંસદા તથા પ્રા.આ.કે. આછવણી તા.વાંસદા ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરી પ્રા.આ.કે. વિજલપોર ખાતે ટીબી રોગના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ રીતે આજ રોજ નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગના વડા ડો.રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મયંક ચૌધરી, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પિનાકીન પટેલ અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ.ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આરોગ્યલક્ષી કાર્યક્રમો તથા કેમ્પોમાં મોટી સંખ્યામાં મહિલાઓ, કિશોરીઓ તથા અન્ય લાભાર્થીઓએ લાભ લીધો હતો.