Rajkot: મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા દ્વારા પુનિતનગર ખાતે કુલ રૂ. ૬.૯૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી વોર્ડ ઓફિસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકાર ‘માનવી ત્યાં સુવિધા’ની નેમ સાથે સતત જનસુખાકારી અર્થે પ્રયાસશીલ છે : મેયરશ્રી
વિધાનસભા મતવિસ્તાર નં. ૭૧માં અંદાજે છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ. ૧૯૦૦ કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થયા છે : મંત્રીશ્રી
Rajkot: રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતા અને કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૨માં પુનિતનગર ખાતે કુલ રૂ. ૬.૯૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી વોર્ડ ઓફિસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું.
રાજકોટ શહેરના પ્રથમ નાગરિક શ્રી નયનાબેન પેઢડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ‘માનવી ત્યાં સુવિધા’ની નેમ સાથે સતત જનસુખાકારી અર્થે પ્રયાસશીલ છે. ત્યારે રાજકોટના વોર્ડ નં. ૧૨માં પાઇપલાઇન, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાના વિકાસ કામો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં વિશાળ બગીચો અને અદ્યતન પુસ્તકાલય બનનારા છે. તેમજ નજીકના ભવિષ્યમાં આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. ઉપરાંત, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયું’ ચાલી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં સ્થાનિકોને વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્રની ભેટ મળવા જઈ રહી છે, જે પ્રશંસનીય છે.
ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ૭૫મા જન્મદિવસે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કર્યો છે, જે પ્રધાનમંત્રીશ્રી પરિવારના આધારસ્તંભ સમાન મહિલાઓની સતત ચિંતા કરી રહ્યા હોવાનું ચરિતાર્થ કરે છે. રાજકોટના વોર્ડ નં. ૧૨માં અનેક વિકાસકાર્યો પૂર્ણ થઈ ગયા છે તેમજ અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે, જેને લીધે આ વિસ્તારની સુચારૂ રીતે કાયાપલટ થઈ રહી છે. વિધાનસભા મતવિસ્તાર નં. ૭૧માં છેલ્લા બે વર્ષ દરમિયાન અંદાજિત રૂ. ૧૯૦૦ કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થયા છે. ગુજરાત રાજ્યની વિકાસશીલ સરકાર હરહંમેશ જનતાની પડખે હતી, છે અને રહેશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. તેમજ ખાદીનો રૂમાલ અને પુષ્પથી મહાનુભાવોનું અભિવાદન કરાયું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. પૂર્વ મેયર શ્રી પ્રદીપભાઈ ડવે પ્રાસંગિક ઉદ્બોધનમાં આ વિસ્તારના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. તથા અગ્રણી શ્રી મગનભાઈ સોરઠીયાએ આભારવિધિ કરી હતી. આ તકે સૌએ ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત ઘર, કામકાજના સ્થળ તથા શહેરને સ્વચ્છ રાખવાના શપથ લીધા હતાં.
આ પ્રસંગે ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતનભાઈ નંદાણી, અગ્રણીઓ શ્રી માધવભાઈ દવે, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડિયા, શ્રી કિશનભાઈ ટીલવા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.