Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનુ સ્વાગત કરતા કનેસરાના ગ્રામજનો
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જસદણના કનેસરા ખાતે રૂ.૭૦ લાખનાં ખર્ચે નવો રસ્તો બનશે
જસદણ-વિંછીયાનાં ગામેગામ વિકાસનાં કામો થઈ રહ્યા છે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કંનનાથ મહાદેવ મંદિર, કનેસરા ખાતે એપ્રોચ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
રૂ.૭૦ લાખનાં ખર્ચે બનનાર આ રોડ ૧.૫૦ કિલોમીટર લાંબો તેમજ ૩.૭૫ મીટર પહોળો બનશે. ૯ માસમાં બનનાર આ રોડમાં ત્રણ લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટી કામ તેમજ સી.સી. રોડ કરાશે. રોડમાં ૨ નંગ પાઈપવાળા નાળા, સાઈડ સોલ્ડર્સ, રોડ ફર્નિચર તેમજ રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા કનેસરા તેમજ આસપાસનાં ગામ લોકોને ઉપયોગી બનશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કનેસરા ગામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.મંત્રીશ્રીએ આ તકે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરો જેવી સુવિધા નાગરિકોને મળે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્રારા વિકાસના પ્રકલ્પો હાથ ધરી, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આમ નાગરિકોનું જીવન ધોરણ ઊંચુ લાવવું એ જ અમારો વિકાસ મંત્ર છે. અગ્રણી શ્રી જેશાભાઈએ પ્રાસંગિક પ્રવચનમાં મહેમાનોને આવકારી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ આ રસ્તાની રૂપરેખા આપી હતી.
આ તકે મંત્રીશ્રીએ કંનનાથ મહાદેવના આશીર્વાદ લઇ મંદિરના મહંતને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં કનેસરા સહિત સરપંચશ્રીઓ તેમજ આગેવાનોએ મંત્રીશ્રીનું સન્માન કર્યું હતુ.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણીશ્રી ગોરધનભાઈ, શ્રી ભાણજીભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી હરસુખભાઈ, શ્રી પ્રાગજીભાઈ સહિત અગ્રણીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.