GUJARAT:વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક
GUJARATવિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક
GUJCOST દ્વારા ગાંધીનગર ખાતેથી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’નું લોન્ચિંગ કરાયું
વિજેતાઓને ઇનામ ઉપરાંત અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત તેમજ STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની સોનેરી તક મળશે: DST સચિવ સુશ્રી પી. ભારતી
વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના ૨૦૦ વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે, તેમ ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ના લોન્ચિંગ પ્રસંગે DST સચિવ સુશ્રી પી. ભારતીએ જણાવ્યું હતું.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ સ્પર્ધાનું DST સચિવ સુશ્રી પી. ભારતીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત GUJCOSTના આ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુનિયર લેવલ અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ‘ક્વિઝ બેંક’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
સચિવશ્રી ભારતીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે ક્વિઝ જુનિયર લેવલ (ધોરણ ૯ અને ૧૦) તથા સિનિયર લેવલ (ધોરણ ૧૧ અને ૧૨) એમ બે સ્તરે યોજાશે. જેમાં દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ www.stemquiz.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૫ સુધીમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
GUJCOSTના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ સાહુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, GUJCOST વર્ષ ૨૦૨૨થી ગુજરાત STEM ક્વિઝનું સફળ આયોજન કરી રહ્યું છે. આ ક્વિઝની ત્રીજી આવૃત્તિ – ગુજરાત STEM ક્વિઝ ૩.૦માં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના ૧૦.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જ્યારે આ વર્ષે દેશભરમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે GSBTMના મિશન ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, GSEMના મિશન ડાયરેક્ટર શ્રી નેહા કુમારી, GCERTમાંથી ડૉ. વિજય પટેલ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી રિજનલ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક, CBSE, જવાહર નવોદય વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.