MORBI:મોરબી જિલ્લાના ૪૧ ગામડાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે
MORBI:મોરબી જિલ્લાના ૪૧ ગામડાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે
મોરબી જિલ્લાના ૪૧ ગામડાઓમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવા વિતરણને સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે
ગામડાઓની મુલાકાત અંતર્ગત સ્વચ્છતા માટેની નિયમિત અને કાયમી વ્યવસ્થા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ
કલેક્ટરશ્રીની સુચના અનુસાર અધિકારીઓએ ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નો બાબતે તલસ્પર્શી નિરીક્ષણ સાથે ગ્રામજનોની મુલાકાત કરી
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર આજરોજ તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના ૪૧ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.
આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૧, માળિયા તાલુકાના ૦૫, હળવદ તાલુકાના ૧૦, ટંકારા તાલુકાના ૦૪ અને વાંકાનેર તાલુકાના ૧૧ ગામ મળી કુલ ૪૧ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે.
આ આકસ્મિક મુલાકાત અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનની અમલવારી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે, જે અન્વયે ગામમાં આ અભિયાન હેઠળ શું આયોજન કરવામાં આવ્યું છે કે કરવામાં આવનાર છે તથા સ્વચ્છતા માટેની નિયમિત અને કાયમી વ્યવસ્થા, ગામમાં કચરો ઉપાડવા માટે વાહન નિયમિત આવે છે કે કેમ તથા કચરાના નિકાલ તથા યોગ્ય વ્યવસ્થાપન માટેની સુવિધા સહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
ઉપરાંત અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી સીએચસી સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ અને પડતી મુશ્કેલી સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે.
આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારીશ્રીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ રસ્તા, આરોગ્યપ્રદ જીવન પ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ અને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.