AHAVADANG

ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી વિવાદમાં:-આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ભ્રષ્ટાચારનાં શંકાની સોઈ તકાતા તટસ્થ તપાસની માંગ ઉઠી..

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના મુદ્દે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયુ છે.આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં માજી પ્રમુખ અને હાલના પ્રમુખ,મંત્રી અને હિસાબનીસ વચ્ચે ચાલી રહેલી આક્ષેપબાજીએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. આ વિવાદ માત્ર આંતરિક ખેંચતાણ પૂરતો સીમિત નથી રહ્યો,પરંતુ મંડળીની કાર્યપદ્ધતિ અને પારદર્શિતા પર પણ ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે.આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં માજી પ્રમુખ બનસભાઈ ચૌર્યા અને અન્ય સભાસદોએ બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીને સંબોધીને અધિક કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતુ.આ આવેદનપત્રમાં તેમણે મંડળીના વર્તમાન હોદ્દેદારો પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા.આક્ષેપોનો મુખ્ય મુદ્દો એ હતો કે મંડળી ડાંગના જંગલોમાંથી મળતી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાને બદલે, બહારના જિલ્લાઓમાંથી તૈયાર દવાઓ ખરીદે છે.આ દવાઓને ડાંગ જિલ્લામાં લાવીને તેના પર મંડળીનું લેબલ લગાવીને વેચાણ કરવામાં આવે છે.આ એક ગંભીર છેતરપિંડી છે કારણ કે મંડળીનો મૂળ હેતુ સ્થાનિક ભગત મંડળીઓને પ્રોત્સાહન આપીને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે મંડળીના ઉદ્દેશ્ય સાથે ગંભીર વિશ્વાસઘાત ગણાશે તેમ લોકચર્ચા પણ સાંભળવામાં મળી રહી છે.માજી પ્રમુખના આક્ષેપો બાદ મંડળીના વર્તમાન પ્રમુખ, મંત્રી અને હિસાબનીશ સહીત હોદેદારોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે તેમણે તુરંત જ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની સામે લગાવવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા હતા.આ પ્રતિઆક્ષેપથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે,

જ્યાં એક તરફ માજી પ્રમુખ પુરાવા સાથે દાવા કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વર્તમાન હોદ્દેદારો પોતાનો બચાવ કરી રહ્યા છે.આ સંઘર્ષમાં એક રસપ્રદ પાસું ત્યારે સામે આવ્યું જ્યારે બનસભાઈ ચૌર્યાએ જણાવ્યું કે આવેદનપત્ર આપ્યાના બીજા જ દિવસે મંડળીમાં કામ કરતા તેમના પુત્રનું એક નિવેદન સામે આવ્યુ હતુ તેમણે આશંકા વ્યક્ત કરી કે મંડળીના હોદ્દેદારોએ તેમના પુત્ર પર દબાણ લાવીને આ નિવેદન આપવા માટે કદાચ મજબૂર કર્યો હશે. તેમણે આ મામલાને પૈસા અને સત્તાના જોરે સત્યને દબાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આખરે સત્યનો જ વિજય થશે.આ વિવાદે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેની તપાસ થવી અનિવાર્ય છે.ડાંગના જંગલો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ભંડાર ગણાય છે. મંડળીનો મુખ્ય હેતુ આ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને દવાઓ બનાવવાનો અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો છે. પરંતુ જો બહારથી દવાઓ ખરીદીને વેચાણ કરવામાં આવતું હોય, તો તેનો અર્થ એ થાય છે કે સ્થાનિક સંસાધનો અને કારીગરોનો ઉપયોગ થતો નથી.આ ઉપરાંત, સાપુતારા ખાતે કરોડોના ખર્ચે ચલાવવામાં આવતી અમૃત આયુર્વેદિક   ટ્રેડિશનલ સેન્ટર હોસ્પિટલમાં મસાજ માટે કેરાલાની થેરાપી અને કેરાલાનાં ડોક્ટરોને નોકરી આપી સ્થાનિક ભગત મંડળી પર મોટો તરાપ મરાયો છે.તે પણ એક ઘૂઘવતો મોટો પ્રશ્ન છે.ડાંગમાં ભગત મંડળીઓ અને આયુર્વેદિક જાણકારોની મોટી સંખ્યા હોવા છતાં, બહાર અન્ય રાજ્યોનાં નિષ્ણાતો પર આધાર રાખવાનું કારણ શંકા ઉપજાવે છે.આ મુદ્દાઓ મંડળીની પારદર્શિતા અને તેના હેતુઓ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકે છે.આ સમગ્ર મામલો હવે વહીવટી તંત્રની તપાસ પર નિર્ભર છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક ગૂઢ રહસ્યો અને ભ્રષ્ટાચારના પુરાવાઓ બહાર આવી શકે છે.આ વિવાદે ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીની કાર્યપ્રણાલિકાને શંકાના દાયરામાં મૂકી દીધી છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે આવનાર દિવસોમાં આ સહકારી મંડળીનાં હોદેદારો સામે કેવા પગલા ભરાશે તે સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!