AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા શિક્ષક સંઘની માંગણીઓ: સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે પ્રધાનમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર.

વાત્સલ્યમ્ સમાચાર

  મદન વૈષ્ણવ

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે ફરજિયાત કરેલી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ને કારણે દેશભરના લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે. આ મામલે ડાંગ જિલ્લા   પ્રાથમિક શિક્ષક સંઘે વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં આ નિર્ણય પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને સેવારત શિક્ષકોને રાહત આપવાની માંગ કરવામાં આવી છે.ડાંગ શિક્ષક સંઘનું માનવું છે કે આ નિર્ણય અયોગ્ય અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ આપેલા નિર્ણય અનુસાર, સેવામાં રહેલા તમામ શિક્ષકો માટે TET પાસ કરવું ફરજિયાત છે. આ નિર્ણયનો મુખ્ય મુદ્દો એ છે કે જેમની સેવા પાંચ વર્ષથી ઓછી બાકી છે, તેઓ TET વિના નિવૃત્ત થઈ શકે છે, પરંતુ જો તેમને બઢતી જોઈતી હોય, તો TET પાસ કરવી અનિવાર્ય છે. આ સિવાય, જે શિક્ષકોની નિવૃત્તિમાં પાંચ વર્ષથી વધુ સમય બાકી છે અને જેમને શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE કાયદો) લાગુ થયો તે પહેલાં ભરતી કરવામાં આવ્યા હતા, તેમણે પણ સેવામાં રહેવા માટે નિવૃત્તિની તારીખથી બે વર્ષની અંદર TET પાસ કરવું પડશે, અન્યથા તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવશે. પ્રમોશન માટે પણ TET ફરજિયાત બનાવવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આ નિર્ણયને અસંવેદનશીલ ગણાવે છે.તેમજ શિક્ષક સંઘનો તર્ક છે કે ઘણા શિક્ષકો પાસે બે થી ત્રણ દાયકાનો અનુભવ છે અને તેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. આવા શિક્ષકોને ફરીથી પાત્રતા પરીક્ષા આપવા કહેવુ અન્યાયી છે.આવેદનપત્રમાં જણાવ્યુ છે કે TET માત્ર પાત્રતા કસોટી છે, શૈક્ષણિક લાયકાત નહીં.આ કસોટી 23-08-2010 ના રોજ લાગુ થયા પહેલાં જોડાયેલા શિક્ષકો પર તેને લાદવી અયોગ્ય છે.શિક્ષક સંઘ પ્રશ્ન ઉઠાવે છે કે જે શિક્ષકો TET પાસ કર્યા વિના લાખો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે અને તે વિદ્યાર્થીઓ ઉચ્ચ પદો પર કાર્ય કરી રહ્યા છે, તો શું તેમના પ્રમાણપત્રો પણ અમાન્ય ગણાશે? આ નિર્ણયથી શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી છે. શિક્ષક સંઘના મતે, આ પગલું જાહેર શિક્ષણની વિશ્વસનીયતા ઘટાડશે અને સરકારી શાળાઓને બદનામ કરશે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શિક્ષક સંઘે વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ આ મામલે વ્યક્તિગત રસ દાખવીને હસ્તક્ષેપ કરે અને સેવારત શિક્ષકોને TET ની શરતમાંથી મુક્તિ આપે. સંઘે ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તેનાથી શિક્ષણ ક્ષેત્રમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!