અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં ભારતીય રિઝર્વ બેંકના ઓમ્બડસમેન કાર્યાલય, અમદાવાદ દ્વારા “ટાઉન હોલ બેઠક મોડાસા કાર્યક્રમ” સફળતાપૂર્વક યોજાયો
મોડાસા : ભારતીય રિઝર્વ બેંકના ઓમ્બડસમેન કાર્યાલય, અમદાવાદ દ્વારા 19 સપ્ટેમ્બર 2025 ના રોજ મોડાસાની હોટલ નેશનલ ખાતે એક “ટાઉન હોલ કાર્યક્રમ” નું સફળતાપૂર્વક યોજાયો
આ કાર્યક્રમનું આયોજન નિયંત્રિત કરવામાં આવતી સંસ્થાઓની ફરિયાદ નિરાકરણ પદ્ધતિ અને રિઝર્વ બેંકની સંકલિત ઓમ્બડસમેન યોજના અંગે મોડાસાના લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમનું આયોજન ભારતીય રિઝર્વ બેંક, ગુજરાત, દીવ અને દાદરા તથા નગર હવેલી ક્ષેત્રના ઓમ્બડસમેન તથા ડેપ્યુટી ઓમ્બડસમેનના માર્ગદર્શન હેઠળ તેમજ ઓમ્બડસમેન કાર્યાલયના સભ્યોની સક્રિય સામેલગીરી સાથે જનતામાં જાગૃતિ ફેલાવવાના હેતુસર કરવામાં આવ્યું હતું.
આ માહિતીપ્રદ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, ભારતીય સ્ટેટ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, એચડીએફસી બેંક અને આઈડીબીઆઈ બેંક, વગેરેના પ્રતિનિધિઓ અને સ્થાનિક શાખાઓના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વધુમાં, સદર કાર્યક્રમના ઉપક્રમે યોજાયેલ મુક્ત સંવાદ સત્ર દરમિયાન ઉપસ્થિત લોકોએ પૂછેલા વિવિધ સવાલોના સંતોષપ્રદ જવાબ આપવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં સુરક્ષિત બેંકિંગ સેવાઓ, આંતરિક ફરિયાદ નિરાકરણ પ્રણાલી, વૈકલ્પિક ફરિયાદ નિરાકરણ પ્રણાલી (રિઝર્વ બેંક – સંકલિત ઓમ્બડસમેન યોજના – 2021), બે શેરી નાટકો અને કાર્યક્રમમાં હાજર સભ્યોને મુક્ત સંવાદ સત્રમાં સવાલો પૂછવાની તક વિષયક બાબતોને આવરી લેવામાં આવી. આ કાર્યક્રમ નાગરિકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયક તેમ જ વ્યવહારુ રીતે ઉપયોગી સાબિત થયો.