બીજા વિશ્વયુદ્ધના સમયનો જીવીત બોમ્બ મળી આવતા ભયનો માહોલ ફેલાયો
લગભગ 100 વર્ષ જૂનો બીજા વિશ્વયુદ્ધના સમયનો જીવીત બોમ્બ મળી આવ્યા બાદ હોંગકોંગમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાંધકામ સાઈટ પરથી આ વિશાળ બોમ્બ મળી આવ્યો હતો. જેની જાણકારી અધિકારીઓને મળતાં તેમણે તાત્કાલિક વિસ્તારને વિસ્તાર ખાલી કરાવ્યો.
બોમ્બને કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. આશરે 6,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર આ બોમ્બનું વજન આશરે 450 કિલો છે અને તે 1.5 મીટર લાંબો છે. પોલીસનું કહેવું છે કે બોમ્બ અત્યંત ખતરનાક છે અને તેને ડિસ્પોઝ કરતી વખતે વિસ્ફોટ થવાની આશંકાઓ છે. એટલા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયા અનુસાર, જ્યાંથી આ બોમ્બ મળ્યો હતો ત્યાંથી નજીકની 18 ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘરે ઘરે જઈને બચી ગયેલા લોકોની તપાસ કરી. નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હોંગકોંગ અને જાપાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ખોદકામ દરમિયાન વિસ્ફોટ થયેલા બોમ્બના અવશેષો ઘણીવાર મળી આવે છે.
2018 માં વાન ચાઈ જિલ્લામાં પણ આવો જ બોમ્બ મળી આવ્યો હતો. ત્યારબાદ, 1,200 લોકોને બહાર કાઢવા પડ્યા હતા. બોમ્બને ડિફ્યૂઝ કરવામાં લગભગ 20 કલાક લાગ્યા હતા. આ વર્ષના જૂન મહિનામાં જર્મનીમાં ત્રણ જીવંત બોમ્બ મળી આવ્યા બાદ 20,000 લોકોને આ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થાને લઇ જવા પડ્યા હતા. ત્રણેય બોમ્બ યુનાઇટેડ સ્ટેટ્સના હોવાનું જાણવા મળ્યું હતું.