અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાનું પીસાલ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત, સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ નથી..!!! તંત્ર ની અવગણના નું ભોગ બની રહ્યું છે આ ગામ
આજે હજુ પણ એવા કેટલાય ગામો છે જ્યાં વિકાસ ના દાવા ખોટા સાબિત થતા હોય તેવું લાગી રહયું છે વાસ્તવિકતા કંઈક અલગ અને પરિસ્થિતિ કંઈક અલગ છે. મેઘરજ તાલુકાના છેવાડે આવેલ પીસાલ ગામ જ્યાં ગામની પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જોવા મળ્યો છે ગામ ગંદકી થી ખદખદી ઉઠ્યું છે.રસ્તાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહયો છે. લોકો ગામના વિકાસ માટે તંત્ર સામે મદદ માંગી રહ્યાં છે છતાં અધિકારીઓ અને જવાબદાર તંત્ર સામે પણ જોતું ના હોય તેવો ઘાટ સર્જાયો હોય તો નવાઈ નહિ..!!
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું પીસાલ ગામ વર્ષોથી તંત્રની અવગણનાનો ભોગ બની રહ્યું છે. ગામમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જીવતા લોકોને તો સુવિધાઓ નથી જ, પરંતુ મૃત્યુ પછી પણ ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગામમાં કોઈનું અવસાન થાય તો સ્મશાન સુધી પહોંચવા માટેનો સગવડભર્યો રસ્તો જ નથી. આવન-જાવન માટે યોગ્ય રસ્તો ના હોવાથી ડાઘુઓને ખભે લાકડાઓ પર લઈ જવા ગામજનો મજબૂર બને છે. ચોમાસાના દિવસોમાં તો હાલાકી વધુ વકરે છે, કારણ કે સ્મશાન પર શેડ કે પતરાં જેવી કોઈ વ્યવસ્થા નથી.વર્ષો જૂનું સ્મશાન ઉભું હોવા છતાં તંત્રે અત્યાર સુધી ત્યાં સુધી પહોંચવાનો રસ્તો, શેડ કે બીજી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી. હાલત એવી છે કે ગ્રામજનો જાતે શ્રમદાન કરીને સ્મશાનની આજુબાજુ સફાઈ કરે છે અને પોતાનાં જ ખર્ચે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરે છે. ગામજનો નો સવાલ છે કે તેમના માથાદીઠ આવતી ગ્રાન્ટ આખરે ક્યાં વપરાય છે? વિકાસની મોટી વાતો કરતી સરકારની સામે પીસાલ ગામની આ વાસ્તવિકતા કડવી સચ્ચાઈ તરીકે સામે આવી છે.સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે અને જો તંત્રે તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવામાં ઉદાસીનતા દાખવી તો આવનારી ચૂંટણીમાં ગામજનો બહિષ્કાર કરશે તેવું પણ કહી રહ્યા છે.