વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવાસી સ્થળ સાપુતારા અને વઘઇને જોડતા હાઇવે પર મહારાષ્ટ્રથી શાકભાજી ભરીને આવતા પીકઅપ વાહનોના ચાલકોની બેફામ સ્ટંટબાજીને કારણે વાહનચાલકો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.આ માર્ગ પર આહેરડી ગામ નજીક એક પીકઅપ ચાલક દ્વારા જોખમી સ્ટંટ કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,જે બાદ વઘઇ પોલીસએ તત્કાલિક આ પિક અપ ચાલકની અટકાયત કરી હતી.અને તેને પાઠ ભણાવ્યો હતો.
સાપુતારા-વઘઇ રોડ પર અહેરડી ગામ પાસે એક પીકઅપ ટેમ્પો ચાલકે હાઇવે પર જોખમી સ્ટંટ કર્યા હતા.આ વીડિયો પાછળ આવી રહેલી એક કારના ચાલકે બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યુ હતું કે, પીકઅપ ચાલક વાહનને જોખમી રીતે હંકારી રહ્યો છે,જેના કારણે પાછળ આવતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.આ વીડિયોમાં કારમાં સવાર એક નાની બાળકી પણ ડરના માર્યા “ડર લાગે છે” તેમ બોલી રહી હોવાનું સંભળાય છે, જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે.પ્રવાસીઓથી ધમધમતા આ મુખ્ય હાઇવે પર આવી સ્ટંટબાજીના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી હતી.વીડિયો વાયરલ થયા બાદ વઘઇ પોલીસ તુરંત હરકતમાં આવી હતી. ગિરા ધોધ નજીક હાઇવે પર બેરિકેટ મૂકીને પોલીસે મહારાષ્ટ્રથી આવતા શાકભાજીના પીકઅપ ટેમ્પોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતુ.આ ચેકિંગ દરમિયાન પોલીસે બેફામ વાહન ચલાવતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા આ ચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.વઘઇ-સાપુતારા માર્ગ પરના નાનાપાડા રોડ પરની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને ભગીરથસિંહે વાયરલ થયેલ વીડિયોમાં દેખાઇ રહેલ મહારાષ્ટ્ર પાસિંગની સફેદ બોલેરો પીકઅપ (નંબર MH-15- GJ-1263)ના ચાલકને ઝડપી પાડ્યો હતો.આ વાહન ચાલક, જેનું નામ ધર્મેન્દ્ર નામદેવ ખોરડે (રહે. નાસિક, મહારાષ્ટ્ર) છે, તેને નીચે ઉતારતા જ તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવી હતી.જેથી વઘઇ પોલીસ મથકનાં એ.એસ.આઈ.વિજયસિંહ સરવૈયાએ તાત્કાલિક પંચોને બોલાવી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી હતી અને ધર્મેન્દ્ર ખોરડે વિરુદ્ધ દારૂ પીને વાહન ચલાવવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.આ કાર્યવાહી દર્શાવે છે કે, ડાંગ પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને દારૂ પીને બેફામ વાહન ચલાવનારા સામે કડક પગલા લેવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રકારની કાર્યવાહીથી હાઇવે પરની સુરક્ષામાં સુધારો થશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવી આશા છે. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં આવશે નહીં..