Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની સમિતિની બેઠક યોજાઈ
તા.૨૧/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ તથા ગોંડલ તાલુકાના વાસાવડ ગામ ખાતે વાજબી ભાવની દુકાન ખોલવા બહાલી આપી
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર તથા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લા કક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના, જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોની સંખ્યા, વિતરણ અને તપાસ, ગ્રાહકોના પ્રશ્નો અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓ, તકેદારી સમિતિની કામગીરી, તોલમાપ સહિત બાબતો અંગે સમીક્ષા કરી હતી. તેમજ કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ – ૩ ગામ તથા ગોંડલ તાલુકાના વાસાવડ ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયમી માન્યતા આપવા બહાલી આપી હતી.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લા કક્ષા સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીએ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત થતી વિવિધ કામગીરીઓ અંગે સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પડધરી તાલુકાના આ યોજના હેઠળ આવરી લેવાયેલા રસોડાના ઉપયોગમાં ન લઈ શકાય તેવા વાસણોના નિકાલ કરવાના ઠરાવ અંગે ચર્ચા-વિચારણા કરીને બહાલી આપી હતી. વધુમાં, ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ સંસ્થાના પ્રતિનિધિશ્રીએ તેમની પ્રવૃતિઓ અને ફૂડ ફોર્ટિફિકેશન વિશે જાણકારી આપી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી,ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.