સિવિલ હોસ્પિટલમાં અદભૂત સર્જરી: 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ વધુ એક અદભૂત સર્જરી કરીને નવજીવન આપ્યું છે. મધ્યપ્રદેશના રતલામના 7 વર્ષના સુભમ નિમાણા નામના બાળકના પેટ અને નાના આંતરડામાંથી વાળ, ઘાસ અને શૂ લેસના દોરાનો વિશાળ ગઠ્ઠો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો. બાળકોમાં થતી આ અત્યંત દુર્લભ સમસ્યાનું પ્રમાણ માત્ર 0.3 થી 0.5 ટકા જેટલું જ જોવા મળે છે.
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે સુભમને છેલ્લા બે મહિના થી પેટમાં દુખાવો, ઉલટી અને વજન ઘટવાની સમસ્યા સતાવતી હતી. પરિવારજનો તેને મધ્યપ્રદેશની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં બે લાખ રૂપિયા જેટલો ખર્ચ છતાં યોગ્ય સારવાર ન મળી. ત્યારબાદ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
સીટીસ્કેન અને એન્ડોસ્કોપી બાદ બાળકના પેટમાં વાળ અને દોરાનો ગૂચ્છો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજીની આગેવાનીમાં એક્સપ્લોરેટરી લેપ્રોટોમી સર્જરી કરીને ગઠ્ઠો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો. એનેસ્થેસિયાની જવાબદારી પ્રોફેસર ડૉ. શકુંતલા ગોસ્વામી અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. ભારત મહેશ્વરીની ટીમે સંભાળી.
સર્જરી બાદ બાળકને છ દિવસ સુધી મોઢેથી ખાવાનું ન અપાઈ અને સાતમા દિવસે ડાઈ ટેસ્ટ કરી પેટમાં કોઈ અવશેષ ન રહે તે સુનિશ્ચિત કર્યા બાદ ધીમે ધીમે ખોરાક શરૂ કરાવવામાં આવ્યો. સાથે જ મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરી ભવિષ્યમાં આવી આદત ન પડે તે માટે માર્ગદર્શન અપાયું. હાલ સુભમ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે ટ્રાઇકોબેઝોઅર એટલે વાળના ગૂચ્છાથી બનેલો બેઝોઅર. તેના સિવાય ફાઇટોબેઝોઅર (શાકભાજી કે ફળના રેશાનો ગૂચ્છો), લેક્ટોબેઝોઅર (દૂધનો ગૂચ્છો) અને ફાર્માકોબેઝોઅર (દવાઓની ગાંઠ) જેવા પ્રકારો પણ જોવા મળે છે. આ રોગના લક્ષણોમાં વારંવાર પેટમાં દુખાવો, ઉલ્ટી, ખાવાનું મન ન થવું, વજન ઘટવું અને આંતરડામાં અવરોધ જેવી સમસ્યાઓ સામેલ છે.
નાના બેઝોઅર માટે એન્ડોસ્કોપીથી સારવાર શક્ય છે, જ્યારે મોટા બેઝોઅર માટે સર્જરી જરૂરી બને છે. આવા કેસમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ માનસિક કાઉન્સેલિંગ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
માતા-પિતાને ચેતવણી આપતા ડૉ. જોષીએ જણાવ્યું કે બાળકોને વાળ કે અજાણી વસ્તુ ખાવાની ટેવ બનવી ખતરનાક સાબિત થઈ શકે છે. માતા-પિતાએ બાળકની આદતો પર નજર રાખવી જોઈએ, ખોરાક સારી રીતે ચવીને ખાવાનું શીખવવું જોઈએ અને વારંવાર પેટની તકલીફ થાય તો તાત્કાલિક બાળ સર્જનનો સંપર્ક કરવો જરૂરી છે.
સિવિલ હોસ્પિટલના આ સફળ પ્રયાસથી એક નિર્દોષ બાળકના જીવનમાં નવી આશા અને નવજીવન આવ્યો છે, જે પરિવાર માટે અનન્ય આનંદની ઘડી બની છે.




