ફિલિપાઇન્સમાં સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, ઠેર ઠેર હિંસા અને આગચંપી
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ હિંસક દેખાવો થયા હતા. જે બાદ વડાપ્રધાન સહિત આખી સરકાર બદલી નાંખવામાં આવી. બાદમાં ઈન્ડોનેશિયામાં પણ સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો થયા. હવે આવું જ આંદોલન ફિલિપાઇન્સમાં શરૂ થઈ ગયું છે. આજે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
ફિલિપાઇન્સની સરકાર પર આરોપ છે કે પૂર નિયંત્રણ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. જેના વિરોધમાં આજે ફિલિપાઈન્સના પાટનગર મનીલામાં હજારોની સંખ્યામાં આંદોલનકારી રસ્તા પર ઉતરી આવ્યા. જોતજોતાંમાં શાંતિપૂર્ણ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું.
મનીલામાં યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો તથા બોટલો ફેંકી. ભીડને રાષ્ટ્રપતિ ભવન તરફ જતી રોકવા માટે પોલીસે રસ્તા પર ટ્રક ઊભી રાખી હતી, જેમાં યુવાનોએ આગ ચાંપી દીધી. AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પોલીસકર્મીઓએ પણ પથ્થર ઉઠાવી યુવાનો તરફ ફેંક્યા હતા.
હિંસક દેખાવો બાદ રવિવાર સાંજ સુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.