સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે, મેંદરડા ઘટક ખાતે ‘પોષણ ઉત્સવ 2025’ની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. માનનીય પ્રોગ્રામ ઓફિસરશ્રી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું ‘ટેક હોમ રાશન (THR) અને મિલેટ (શ્રી અન્ન)’નો ઉપયોગ કરીને બનાવેલી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો સમાજમાં ટેક હોમ રાશન, મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવી અને તેનો યોગ્ય ઉપયોગ શીખવવો. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવતી અવનવી, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર વાનગીઓ રજૂ કરી, જેમાં મિલેટ અને સરગવાનો નવીન ઉપયોગ ખાસ નોંધપાત્ર રહ્યો. આ વાનગીઓએ માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યલક્ષી ખોરાકનું મહત્ત્વ પણ રજૂ કર્યું.આ કાર્યક્રમમાં મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જયાબેન ખાવડું તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રી કિતીબેન ઢેબરીયા તેમજ મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના પ્રતિનિધિ શ્રી મહેશભાઈ અપારનાથી તેમજ વંદે માતરમ સેવા સમિતિના અશ્વિનભાઈ મહેતા, તેમજ શાળાના પ્રિન્સિપાલશ્રી અને સમગ્ર સ્ટાફ, તેમજ આંગણવાડીના કાર્યકર બહેનો, કિશોરીઓ તેમજ આંગણવાડીના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેમની સક્રિય ભાગીદારીએ કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સૌએ આ પ્રકારના જાગૃતિલક્ષી કાર્યક્રમની પ્રશંસા કરી અને પોષણ પ્રત્યેની જાગૃતિને વધુ વેગ આપવા માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો.આયોજકોએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય છે, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. આ ઉત્સવે ન માત્ર સ્પર્ધકોની પ્રતિભાને પ્રકાશિત કરી, પરંતુ સમગ્ર સમુદાયને પૌષ્ટિક આહારના મહત્ત્વ વિશે શીખવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી.પોષણ ઉત્સવ 2025 એ મેંદરડામાં સ્વાસ્થ્ય અને પોષણના ક્ષેત્રે એક નવું પ્રેરણાદાયી પગલું ચીંધ્યું છે, જે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોની પ્રેરણા આપશે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા,ગૌરવકુમાર જોષી – મેંદરડા