વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે.,વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે. વઘઈ દ્વારા “ટેક્નોલોજી વીક” તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ તાલીમની ઉજવણીનો પ્રારંભ કે.વી.કે., વઘઈ ખાતે કરવામાં આવ્યો હતો.આ ટેક્નોલોજી વીક ની ઉજવણી અંતર્ગત વિજયભાઈ પટેલ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમણે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે આહવાન કર્યું હતું તથા એક બીજાના સહકારથી એકજૂથ થઈને પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદના ટેકનિકલ સેશનમાં ડૉ. રુચિરા શુક્લા તેમજ ડૉ. ગૌરવ પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું અસરકારક માર્કેટિંગ અને FPO દ્વારા તેમનું વેચાણ થાય તે બાબતે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદરભાઈ ગાવિત, ડૉ. અજય પટેલ, ડૉ. પરેશ વાવડીયા તેમજ સંજયભાઈ ભગરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જીવામૃત, બીજામૃત તેમજ અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક ખાતરો અને પ્રાકૃતિક રસાયણો બનાવતા ખેડૂતોને શીખવવામાં આવ્યું હતું. તથા પ્રાકૃતિક ખેતીના નિદર્શન ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ૩૭૫ જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.