LUNAWADAMAHISAGAR

દિવાળીમાં ફટાકડા વેચવા માટે લાયસન્સ જરૂરી: લુણાવાડા પ્રાંત કચેરીનું જાહેરનામું

દિવાળીમાં ફટાકડા વેચવા માટે લાયસન્સ જરૂરી: લુણાવાડા પ્રાંત કચેરીનું જાહેરનામું
*****
લુણાવાડા તથા ખાનપુર તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સ માટે ૪ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

 

નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, લુણાવાડા કચેરી દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ સંબંધિત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, લુણાવાડા તથા ખાનપુર તાલુકાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જે વેપારીઓ ફટાકડાનું વેચાણ કરવા માગે છે, તેમણે નિયમો અનુસાર પરવાનો મેળવવો ફરજિયાત છે.

લાયસન્સ મેળવવા માટે, અરજદારોએ તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, લુણાવાડા પ્રાંત કચેરીમાં રૂબરૂ અરજી રજૂ કરવી પડશે. અરજીઓ માત્ર રૂબરૂ સ્વીકારવામાં આવશે અને ટપાલ દ્વારા આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજદારે નિયત અરજી ફોર્મ (AE-5) માં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે ભરવાની રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. અરજી સાથે રૂ. ૩૦૦/- ની ચકાસણી ફીનું અસલ ચલણ રજૂ કરવું પડશે.

અરજી સાથે જરૂરી પુરાવાઓમાં ત્રણ ફોટા, ઓળખનો પુરાવો (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ), રૂ. ૫૦/- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું, નગરપાલિકા/ગ્રામ પંચાયતનું ના વાંધા પ્રમાણપત્ર (NOC), ધંધાના સ્થળનો નકશો, સ્થળ માલિકીના પુરાવા (જો ભાડે હોય તો માલિકનું સંમતિપત્રક) અને ફાયર NOC નો સમાવેશ થાય છે. અરજી અને તેના દસ્તાવેજોની કુલ ત્રણ નકલો રજૂ કરવાની રહેશે. અરજીની ચકાસણી બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હંગામી ફટાકડા લાયસન્સ ફી રૂ. ૬૦૦/- ભરવાની રહેશે. લાયસન્સ મળ્યા પછી, વેચાણ માટે નિર્ધારિત સમયમર્યાદા પૂરી થતાં જ લાયસન્સ આપોઆપ રદ થઈ જશે. જાહેરનામામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરનારા વેપારીઓ સામે એક્ષપ્લોઝીવ એકટ, ૧૮૮૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!