વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદનાં પગલે મુખ્ય માર્ગોમાં સાપુતારા-વઘઇ,શામગહાન આહવા,વઘઇ-આહવા,પીંપરી-ભેંસકાતરી સહિત ગામડાઓને જોડતા 36 જેટલા આંતરીક માર્ગો અવરોધાયા હતા.
પેટા:-ડાંગ જિલ્લાની અંબિકા,ખાપરી અને પૂર્ણામાં ભયાનક પુરની સ્થિતિ સર્જાતા ઠેરઠેર માર્ગોની સાઈડ,કોઝવેકમ પુલો,વિજપોલ સહીત સંરક્ષણ દીવાલો ધરાશયી થતા તબાહી મચી..
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજથી નવરાત્રીનાં પ્રારંભની સાથે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.સોમવારે રાત્રીનાં અરસાથી મંગળવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ,પીંપરી, આહવા,સાકરપાતળ,બાજ,ખાતળ,કોશીમદા,ચીંચલી,વઘઇ,સુબિર,પૂર્વપટ્ટી અને સરહદીય સહીત ઉપરવાસનાં પંથકોમાં ગાજવીજ સાથે દેમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ગતરોજ રાત્રીનાં અરસામાં દેમાર વરસાદ પડતા અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા દ્રશ્યો બિહામણા બન્યા હતા.ડાંગ જિલ્લામાં દેમાર વરસાદ પડતા અંબિકા,ખાપરી અને પૂર્ણા નદી કાંઠે આવેલ અનેક માર્ગોની સાઈડો, કોઝવે તથા પુલોનાં એપ્રોચ,સંરક્ષણ દીવાલોનાં ધોવાણ સહીત વીજપોલ ધરાશયી થઈ જતા કુદરતી આપદાનાં પગલે અંદાજીત કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં વહેલી સવારે રાજય ધોરીમાર્ગ હસ્તકનાં સાપુતારા-વઘઇ આંતર રાજય ધોરીમાર્ગ, આહવા વઘઇ રાજય ધોરીમાર્ગ, પીંપરી -ભેસકાતરી રાજય ધોરીમાર્ગ, આહવા -શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહીત જિલ્લા પંચાયત હસ્તકનાં 36 આંતરિક માર્ગો અવરોધાયા હતા.જેના પગલે 100 થી વધુ ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા.વઘઇ તાલુકાનાં બાજ,ખાતળ,માછળી,કોશીમપાતળ અને આહવા તાલુકાનાં ચીકટિયા પંથકમાં વાદળ ફાટતા અનેક લોકોનાં ઘરોમાં પાણી ભરાયા હતા.સોમવારે મોડી રાત્રે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગાજ વીજ સાથે દેમાર વરસાદ પડ્યો હતો.જેમાં વઘઇ તાલુકાનાં બાજ ગામે શાળા સહિત ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.લોકોને આખી રાત પાણીમાં રહી રાત વિતાવવાની નોબત ઉઠી હતી.જ્યારે સાપુતારા વઘઇ આંતર રાજય ધોરીમાર્ગમાં બાજ ગામનાં માઇનોર બ્રિજની સાઇડ ધોવાઈ જતા થોડાક સમય માટે માર્ગ અવરોધાયો હતો.જ્યારે આહવા તાલુકાનાં ચિકટિયા ગામે ખાપરી નદીનાં પુર ફરી વળતા હનુમાનજીનાં મંદિરનો શેડ તણાઈ ગયો હતો.સાથે ચિકટિયા ગામનો કોઝવેકમ પુલનો એપ્રોચ ધોવાઈ ગયો હતો.ચિકટિયા ગામે પણ નદી કાંઠેનાં ઘરોમાં પાણી ભરાયા હતા.અહીથી એક પશુપાલકનાં 8 જેટલા પાલતુ પશુઓ તણાઈને મોતને ભેટત્તા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જ્યારે કુડકસ કોશિમપાતળનો બ્રિજનો એપ્રોચ ધોવાયો છે.ડાંગ જિલ્લામાં દેમાર વરસાદનાં પગલે રાજય ધોરીમાર્ગ, જિલ્લા પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઠેરઠેર વૃક્ષો,માટીનો મલબો અને ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.જેના પગલે વાહન વ્યવહાર અવરોધાયો હતો.અમુક જગ્યાએ વિજપોલ ધરાશયી થઈ પડી જતા વીજળી ગુલ થઈ ગઈ હતી.ડાંગ જિલ્લામાં લોકમાતાઓ ભયજનક સપાટી વટાવતા રેલની સ્થિતિ સર્જાવાનાં પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.અંબિકા નદી રોદ્ર સ્વરૂપમાં આવતા વઘઇનો ગીરાધોધ પાણીથી ઢંકાઈ ગયો હતો.બોક્ષ:-(1)ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન અને પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાષભાઈ ગાઈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સહાય આપવા સાંત્વના આપી.ડાંગ જિલ્લાનાં બાજ,ચિકટિયા સહીત દગડીઆંબા પંથકમાં સોમવારે મોડીરાત્રે વાદળ ફાટયુ હતુ. જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અને આ ગામોમાં મોટી ખાનાખરાબી સર્જાઈ હતી.જેની જાણ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન તથા ગુજરાત ભાજપા આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાષભાઈ ગાઈનને થતા તેઓ તુરંત જ અસરગ્રસ્ત ગામડાઓના મુલાકાત માટે દોડી ગયા હતા.અને ત્યાં જઈ પરિસ્થિતિનો તાગ મેળવી વહીવટી તંત્રનાં અધિકારીઓને સૂચના આપી હતી.બોક્ષ:-(2)દેમાર વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા 36થી વધુ ગ્રામ્ય માર્ગો અવરોધાયા.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 36 જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (1) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, (2) હીંદળાથી ધુડા રોડ, આહવા તાલુકા (1) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ, (2) ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, (3) બારીપાડા ચિરાપાડા રોડ, (4) ટાંકલીપાડા લહાનદભાસ મોટીદભાસ રોડ,(5)ગલકુંડ પાયરપાડા જામદર રોડ,(6)ભૂરાપાણી -ચિરાપાડા રોડ (7)ભાપખલ-રાનપાડા રોડ સહિત વઘઇ તાલુકાના (1) માછળી ખાતળ રોડ – 1, (2) માછળી ખાતળ રોડ – 2, (3) માછળી ચિખલા દિવડયાવન રોડ, (4) કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, (5) ભેંસકાત્રી મેઇન રોડ ટુ આસરીયા ફળિયા રોડ (જુનો રોડ), (6) બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, (7) વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, (8) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, (9) મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, (10) દોડીપાડા બરડા રોડ, (11) દોડીપાડા ચિકાર ફળિયા રોડ, (12) માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, (13) દોડીપાડા બરડા રોડ, (14) દગુનીયા વી.એ. રોડ, (15) ચિખલદા વી.એ. રોડ, (16) ઘોડવહળ વી.એ. રોડ, (17) આહેરડી બોરદહાડ રોડ, (18)બાજ વી.એ. રોડ,(19) આહેરડી નડગચોંડ રોડ, (20) સુસરદા વી.એ. રોડ, (21) ભદરપાડા ચિચોંડ રોડ, (22) ઘાંગડી કાનાત ફળિયા રોડ (23)બારખાંદિયા રોડજે ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.બોક્ષ-(3)ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદનાં પગલે અનેક માર્ગો,કોઝવેકમ પુલો સહીત બ્રીજોનો એપ્રોચ અસર ગ્રસ્ત બન્યા હતા.સાથે માર્ગો પર વૃક્ષો, ભેખડો અને માટીનો મલબો ધસી પડવાનાં બનાવો બન્યા હતા.જેથી સવારથી જ ડાંગ સ્ટેટ ધોરીમાર્ગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુકણા, નાયબ કાર્યપાલક ઇજનેરોમાં વી.આર.પટેલ,એમ.આર.પટેલ સહીત જિલ્લા પંચાયતનાં કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલ સહીત નાયબ કાર્યપાલક ઇજનેરોમાં ટી.આઈ.પટેલ તથા એમ.ડી.પટેલની ટીમો લાશ્કરો જોડે જેસીબી જેવા મશીનો સાથે માર્ગમાંથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.અને મોડી સાંજ સુધીમાં રાઉન્ડ ધ કલોકની કામગીરી હાથ ધરી આ અસરગ્રસ્ત માર્ગો યાતાયાત માટે ખુલ્લા મુકાયા હતા.બોક્ષ-(4)ડાંગ જિલ્લામાં સોમવારે રાત્રીનાં અરસામાં આભ ફાટતા 1967નાં રેલની યાદ તાજી થઈ.ડાંગ જિલ્લા સહીત ઉપરવાસના પંથકોમાં સોમવારે રાત્રીનાં અરસામાં મુશળધાર વરસાદ પડ્યો હતો.જેના પગલે અંબિકા,ખાપરી,પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવતા દ્રશ્યો બિહામણા બન્યા હતા.જેમાં અંબિકા,ખાપરી અને પૂર્ણા નદીના વહેણ કાંઠા વિસ્તારનાં ગામોનાં માર્ગોની સાઈડ,એપ્રોચ સહીત, પશુઓ ઘસડી જતા જંગી નુકસાન થયુ હતુ.આ નદીઓની ભયાનક સપાટી 1967ની રેલની યાદોને તાજી કરી હતી.બોક્ષ:-(5)આજરોજ ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કાકરદા ગામે એક વ્યક્તિ પાણીમાં તણાઇ જવા પામેલ છે.જે વ્યક્તિના લાશની શોધખોળ ચાલુ છે. તેમજ નડગચોંડ ગામે 2 પશુ મૃત્યુ નોંધાયેલ છે. આ ઉપરાંત ઉગા ચિચપાડા ગામે કાચા મકાનનું નુકસાન થયેલ છે. અને રાનપાડા ગામે એક કાચા મકાનનો સંપુર્ણ નાશ થયેલ છે. આ સાથે જ બાજ ગામમાં એક ઘરમાં અંબિકા નદીના પાણી ભરાઇ જતાં ઘર પરિવારના સાત સભ્યોને સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ બાજ ગામમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલને નુકશાન થયેલ છે. સાથે જ દગડીઆંબા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલને નુકશાન થયેલ છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 82 મિમી અર્થાત 3.28 ઈંચ, વઘઇ પંથકમાં 82 મિમી અર્થાત 3.28 ઈંચ, સાપુતારા પંથકમાં 92 મિમી અર્થાત 3.68 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 229 મિમી અર્થાત 9.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો