BUSINESS

નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!

અમેરિકા દ્વારા H-1B વિઝા ફીમાં કરાયેલા વધારાને કારણે ભારતને ડોલરના સ્વરૂપમાં આવતી રેમિટેન્સમાં ઘટાડો થવાની શક્યતા છે, જે રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે. અમેરિકા દ્વારા ભારતના માલસામાન અને સેવાઓ પર ૫૦% ટેરિફ લાગુ કરાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં દેશની વેપાર પ્રવૃત્તિ પર તેનો સીધો પ્રભાવ જોવા મળ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, ઓગસ્ટની સરખામણીએ ઉત્પાદન અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ ધીમી પડી છે.

ભારતનો સંયુકત પીએમઆઈ (પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ) ઓગસ્ટમાં ૬૩.૨૦ હતો, જે સપ્ટેમ્બરમાં ઘટીને ૬૧.૯૦ રહ્યો છે. જોકે આ આંકડો હજી પણ છેલ્લા બે વર્ષમાં બીજો સૌથી ઊંચો છે અને ૫૦થી ઉપર હોવાને કારણે વિસ્તાર દર્શાવે છે. ઉદ્યોગોમાં નવા ઓર્ડર ઘટ્યા છે અને રોજગાર નિર્માણમાં તેજી લાવવામાં નિષ્ફળતા મળી છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઓગસ્ટના ૫૯.૩૦ પરથી ઘટીને ૫૮.૫૦ રહ્યો છે, જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ પરથી ઘટીને ૬૧.૬૦ રહ્યો છે.

નિકાસ માગ પણ નબળી રહી છે, જેના કારણે નિકાસ ઓર્ડર છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે. સેવા ક્ષેત્ર ખાસ કરીને વધારે પ્રભાવિત થયું છે. રોજગાર નિર્માણ ધીમું પડ્યું છે – ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર ૩% વધારો થયો છે, જ્યારે સેવા ક્ષેત્રમાં ૫% સુધી જ વધારો નોંધાયો છે. કંપનીઓ પર કર્મચારીબળ વધારવા દબાણ વધી રહ્યું છે.

ફુગાવાની દિશામાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી છે. ઉત્પાદન ક્ષેત્રે કપાસ અને સ્ટીલના ભાવ વધતા છેલ્લા ૧૩ વર્ષમાં વેચાણ કિંમતોમાં સૌથી મોટો વધારો કર્યો છે. જોકે, સેવા ક્ષેત્રમાં ફુગાવો ધીમો પડતા કુલ અસર થોડી સંતુલિત રહી છે. ભવિષ્ય અંગેનો બિઝનેસ આત્મવિશ્વાસ સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે માંગમાં મજબૂતાઈ આવશે અને જી.એસ.ટી.માં ઘટાડો થવાથી વેપારને વધુ ટેકો મળશે.

Back to top button
error: Content is protected !!