વડગામ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ
24 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી, આયુર્વેદ શાખા, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ની ઉજવણી કરાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પંકજભાઇ પટેલ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના મહત્વ અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. કાજલબેન શાસ્ત્રીએ આયુર્વેદના મહત્વ અને ઉપયોગ અંગે તમામને માહિતગાર કર્યા હતા. ડૉ. મનોજ જાનીએ પ્રધાનમંત્રીશ્રીએ પાઠવેલા શુભેચ્છા સંદેશનું વાંચન કરી સૌને અવગત કર્યા હતા.આ પ્રસંગે આયુષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ તથા આસપાસના ગામોના નાગરિકો અને દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયુષ પ્રદર્શનીમાં કુલ ૫૬૦ લાભાર્થીઓએ લાભ મેળવ્યો જેમાં સરસ્વતી કન્યાશાળા વડગામના અંદાજે ૨૫૫ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.