શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ના એન.એસ.એસ.યુનિટની ખાસ શિબિરનો સાંસ્કૃતિક અને સમાપન કાર્યક્રમ યોજયો
20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના નળાસર ખાતે શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ના એન.એસ.એસ.યુનિટની જન જાગૃતિ અને ગ્રામોત્થાન ખાસ શિબિરનો સાંસ્કૃતિક આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નળાસર ગામના સરપંચ શ્રી કેશરભાઈ ચૌધરી અને ગામના આગેવાન શ્રીશામળભાઈચૌધરી,માલણસી.આર.સી.કૉ. શ્રી મહેશભાઈ પટેલ, નળાસર પ્રા. શાળાના આચાર્યશ્રી, એસ.એમ.સી.ના સભ્યો તેમજ માલણ હાઇસ્કુલ અને નળાસર પ્રા. શાળાના શિક્ષકમિત્રો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. નળાસર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ શ્રી મહેશભાઈ પટેલ નું સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. નળાસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ ખૂબ સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ધોરણ 6 થી 8 ની વિધ્યાર્થીનીઓએ ઘુમર નૃત્ય રજૂ કર્યું હતું. એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ અંધશ્રદ્ધા ઉપર આધારિત સાઉથ આફ્રિકાનો ભુવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન વિશે નાટકો રજૂ કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીનીઓએ મોબાઈલનું વળગણ પર નાટક અને ધોરણ 11 ની વિદ્યાર્થીની ચૌધરી રીનાએ ધરાતીની પુકાર વિશે એકપાત્રીય અભિનય રજૂ કર્યો હતો. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્વયંસેવકોએ પ્રથમ અને બીજા દિવસે ગામની તેમજ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરી હતી. ત્રીજા દિવસે મહિલા આરોગ્ય અને બ્રેસ્ટ કેન્સર વિશે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથા દિવસે શાળાના બાળકો સાથે શિક્ષણકાર્ય કર્યું હતું. પાંચમા દિવસે સ્વયંસેવકોએ ગામમાં “પાણી બચાવો” રેલીનું આયોજન કર્યું હતું. છઠ્ઠા દિવસે ગામમાં જાહેર સ્થળોએ ભીંતસુત્રો અને કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ અઠવાડિયા દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. શ્રી મહેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ગામના સરપંચ અને આગેવાનોએ તેમજ ગ્રામજનોએ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવ્યા હતા. એન.એસ.એસ.સ્વયંસેવકોએ પોતાના એક અઠવાડિયા દરમ્યાન કરેલ કામગીરી વિશે મંતવ્યો રજૂ કર્યા હતા.એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી હરિશકુમાર પંચાલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નળાસર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જીતુભાઇ પટેલે કર્યું હતું. કાર્યક્રમને અંતે ભોજન લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.