રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
- શિક્ષણ મંત્રીએ મુંદરાના પૂર્વ અધ્યાપક ડૉ. કેશુભાઈ મોરસાણિયાનાં બે પુસ્તકોનું વિમોચન કર્યું
મુંદરા, તા. 10 : ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે શિક્ષક દિનની પૂર્વસંધ્યાએ મુંદરા ડી.એલ.એડ. (પીટીસી) કૉલેજના પૂર્વ અધ્યાપક ડૉ. કેશુભાઈ મોરસાણિયા દ્વારા લખાયેલાં બે પુસ્તકોનું વિમોચન કર્યું. આ પુસ્તકો, ‘અંક અષ્ટકમ’ અને ‘શબ્દની રમતો’, રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ પુસ્તકોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનથી દૂર રાખીને મેદાન અને ગણિત-સાહિત્યની મજા તરફ વાળવાનો છે.
ડૉ. મોરસાણિયાએ જણાવ્યું કે આ પુસ્તકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આવતા ‘બૅગલેસ ડે’ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમાં ૩૬૫થી વધુ રમતો છે, જે બાળકો, શિક્ષકો અને વાલીઓ બધાને આનંદ આપશે. આ રમતો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ જ્ઞાન અને કૌશલ્યનો પણ વિકાસ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહેલાં કોરોના દરમિયાન લખેલું તેમનું પુસ્તક ‘એક હજાર ભારતીય રમતો’ પણ ખૂબ લોકપ્રિય થયું છે. આ પુસ્તક હિન્દીમાં અનુવાદ થઈને ઍમેઝોન પર પણ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે પાઠ્યપુસ્તક મંડળના નવા અધ્યક્ષશ્રી મનુભાઈ પાવરા અને નિયામકશ્રી વિનયગિરી ગુંસાઈ, ડો. કમલેશભાઈ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ડૉ. મોરસાણિયાએ પુસ્તકોના પ્રકાશન માટે મંડળ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)