અમદાવાદમાં યુવા સમીટનું આયોજન: યુવાનોનો સંકલ્પ – “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા”
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરાવવા માટે “યુવા સમીટ”નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” અભિયાન અંતર્ગત નશાના દૂષણથી દૂર રહેવાનો શપથ લીધો.
આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયા તથા હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવવાનો, નશામુક્ત જીવન તરફ દોરી જવાનો અને સમગ્ર સમાજને આંદોલન સાથે જોડવાનો છે.
કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાના ઘાતક પ્રભાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ સમજાવ્યું કે ડ્રગ્સ માત્ર વ્યક્તિગત આરોગ્યને જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ અસર કરે છે. યુવાનોને નશામુક્ત જીવન અપનાવવા માટે વિવિધ માર્ગદર્શિકા આપવામાં આવી અને તેમને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ પ્રસંગે યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક પ્રવચનો અને જૂથ ચર્ચાઓ પણ યોજાઈ હતી. તેમાં યુવાઓએ પોતાની અનુભૂતિઓ શેર કરી અને એકબીજાને નશાના દૂષણથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.
સ્થાનિક આયોજકોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ આવા જ સમીટ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે જેથી વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડાવી શકાય.
યુવાનો દ્વારા લેવાયેલ આ સંકલ્પ માત્ર નશામુક્ત જીવન તરફ નહીં પરંતુ વિકસિત ભારતના નિર્માણ તરફ એક સકારાત્મક પગલું બની રહેશે.