Rajkot: વિવિધ શાળાના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે “માનસિક સ્વસ્થતા જાગૃતિ” કાર્યક્રમ યોજાયો
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યનું દરેક બાળક પોતાના જીવનમાં શારીરિક અને માનસિક રીતે મજબુત બને તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જે સંદર્ભે રાજકોટ શહેરની જી.ટી.હાઇસ્કુલ ફોર ગર્લ્સ અને એ.એસ. ચૌધરી હાઈસ્કુલ ખાતે વ્યવસાયિક સંસ્થા અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ “માનસિક સ્વસ્થતા જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જી.ટી.હાઇસ્કુલ ફોર ગર્લ્સની ૪૩૮ વિદ્યાર્થિનીઓ અને એ.એસ. ચૌધરી હાઈસ્કુલના ૨૫૦ વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આવતી મુશ્કેલીઓને યોગ્ય રીતે નિરાકરણ લાવવા અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને જીવનની દરેક પરિસ્થિતિ સામે મનોબળ મજબુત બનાવી આગળ વધવા વિવિધ ક્ષેત્રોની સફળ વ્યક્તિઓના ઉદાહરણ આપી સમજાવ્યું હતું. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને શારીરિક રીતે મજબુત બનવા યોગ, કસરત, પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા સહિત રમતગમત ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આત્મનિર્ભર બનવા માટે પોતાના રસના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
આ કાર્યક્રમમાં જી.ટી.હાઇસ્કુલ ફોર ગર્લ્સના આચાર્યશ્રી ડો.પ્રવિણાબેન તારપરા અને એ.એસ. ચૌધરી હાઈસ્કુલના આચાર્યશ્રી જયેશભાઈ વસોયા તથા શિક્ષકશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.