જામનગરનું મહિલા સહાયતા કેન્દ્ર આશીર્વાદ રૂપ
*હિંસાનો ભોગ બનેલી મહિલાઓને સહાય, માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ થકી મદદરૂપ થતું “પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર” જામનગર*
*છેલ્લા બે વર્ષમાં આ કેન્દ્રના માધ્યમથી ૪૫૦ જેટલા બહેનોની સમસ્યાઓનું સમાધાન કરી પુનર્વસન કરાયું*
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે, વર્ષ ૨૦૧૩થી રાજ્યના નિયત પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર એટલે કે મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. જામનગર જિલ્લામાં આ કેન્દ્ર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧ જુલાઈ ૨૦૧૪થી કાર્યરત છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય હિંસાનો ભોગ બનેલી મહિલાઓને સહાય, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપીને તેમને સશક્ત બનાવવાનો છે.
આ કેન્દ્રનો મુખ્ય હેતુ લિંગભેદ, સ્ત્રી ભૃણહત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા મુદ્દાઓમાં પીડિત મહિલાઓને મદદ કરવાનો છે. ઘરેલુ હિંસા કે અન્ય કોઈ પણ પ્રકારની હિંસા એક સામાજિક અપરાધ છે, અને આ કેન્દ્ર પીડિત મહિલા અને તેમના પરિવારજનોનું જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરી તેઓને મદદ કરે છે.
જામનગરના આ કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ધર્માબેન રામાવત અને સુમનબેન પડાયા ફરજ બજાવે છે. છેલ્લા ૧૧ વર્ષમાં, આ કેન્દ્રએ ઘરેલુ હિંસા, દારૂના નશામાં થતી હિંસા, લગ્ન બહારના સંબંધો, દહેજને કારણે થતો ત્રાસ, બાળકની કસ્ટડી, અને જાતિગત હિંસા જેવી અનેક સમસ્યાઓમાં પીડિત મહિલાઓ અને વૃદ્ધોની મદદ કરી છે. સાથે જ કાઉન્સેલિંગ દ્વારા તૂટતા લગ્નજીવન અને પરિવારોને વિખેરતા બચાવવામાં આવ્યા છે.
કાઉન્સેલર દ્વારા અરજી કરનાર બહેનો અને તેમના પરિવારજનોને બોલાવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. જો પીડિત બહેનોની ઈચ્છા હોય તો સમાધાન કરાવવામાં આવે છે. જરૂર જણાય તો, પોલીસ કાર્યવાહી, મફત કાનૂની સહાય અને અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને મદદ પૂરી પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં, આ સેન્ટર દ્વારા ૪૫૦ જેટલી બહેનોનું સમાધાન અને પુનર્વસન કરાવવામાં આવ્યું છે.
સાથે સાથે આ સેન્ટર દ્વારા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયા અને દહેજ સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગરના માર્ગદર્શન હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ કાર્યક્રમોમાં મહિલાઓને વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ અને સહાયની માહિતી આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના અધિકારો વિશે જાગૃત થાય અને સશક્ત બને. આ કેન્દ્ર મહિલાઓને મદદ કરીને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે.
0000000000000000000000
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)