પર્યાવરણને પ્રેમ કરીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ તે ઉદેશ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં શરૂ કરાવ્યું છે.જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મારફતે જન આંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.આ જન આંદોલન અંતર્ગત આજ રોજ બી.આર.સી. ભવન જૂનાગઢ ગ્રામ્યના નેજા તળે માખીયાળા પે.સેન્ટર શાળામાં જિલ્લા કક્ષાનો ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કાંતિભાઈ ગજેરા, કેળવણી નિરીક્ષકશ્રી રિયાઝભાઈ મુનસી, બી.આર.સી કોર્ડીનેટર ગ્રામ્ય જૂનાગઢમાંથી ડો.સુરેશભાઈ મેવાડા, જિલ્લા તેમજ તાલુકા ઉત્કર્ષ મંડળ મંત્રીશ્રી, પ્રાથમિક શૈક્ષિક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મંત્રીશ્રી તેમજ એસ.એમ.સી અધ્યક્ષ, સી.આર.સી કોઓર્ડીનેટરશ્રી, એસ.એમ.સી સભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ માખીયાળા પ્રા. શાળામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા ગ્રીન કવરની વૃદ્ધિ માટે પર્યાવરણ બચાવવા અનુલક્ષી વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. તદઉપરાંત મહેમાનો અને વાલીશ્રીઓ અને માતાઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વધુમાં ગ્રામજનો અને વાલીગણને તેમજ ખાસ કરીને માતાઓને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કાંતિભાઇ ગજેરા મારફતે બાળાઓ અને માતાઓને બહોળા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેના ઉછેર-જતન માટે પ્રેરણા સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે માખીયાળા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ