વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલની અનાજ-કરિયાણાની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. રાત્રે દુકાન બંધ કરી ઘરે આરામ માટે ગયેલા પ્રકાશભાઈએ સવારે દુકાન ખોલવા જતા શટરનું તાળું તૂટેલું જોયું. દુકાનમાં લગાવેલા CCTV કેમેરાના કેબલ પણ કપાયેલા હાલતમાં જોવા મળ્યા હતા.દુકાનમાં રહેલા સામાન યથાવત જોવા મળ્યો, પરંતુ ગલ્લામાંથી મોબાઇલ રિચાર્જના રૂપિયા અને અલગ-અલગ રોકડ મળી કુલ આશરે ₹20,000 તથા પેટ્રોલનું એક કેન તસ્કરો ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.સાથે જ નજીકમાં આવેલી કાંતિભાઈ સોમાભાઈ પટેલની ચાની લારી અને કમલેશ કરશનભાઈ પટેલની દુકાનનું પણ શટર તોડવાનો પ્રયાસ કરાયો હતો, જોકે ત્યાં કોઈ મુદ્દામાલ ચોરાયેલો નથી.ઘટનાની જાણ થતાં જ ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી ગામમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે.