લદાખમાં લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની ધરપકડ
લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જોની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના FCRA લાયસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સોનમ વાંગચુકે પોતાની વ્યક્તિગત સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
લદાખમાં થયેલી હિંસા બાદ સરકારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના NGOનું FCRA લાયસન્સ રદ કરી વિદેશી ફંડિંગ પર રોક લગાવી છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરી દેવાઈ છે. જે બાદ વાંગચુકે કહ્યું છે કે સરકાર મારા જેવી નાની વ્યક્તિ પર તમામ દોષનો ટોપલો ઢોળવા માંગે છે. હું જેલ ગયો તો યુવાનો જાગી જશે.
વાંગચુકે કહ્યું, કે ‘થોડા મહિનામાં લદાખમાં ચૂંટણી થવાની છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કરો. દોઢ મહિના અગાઉ મારા પર દેશદ્રોહનો કેસ કરાયો, હવે CBI તપાસની વાત થઈ રહી છે. 2022થી 2024 સુધી અમે FCRA લાયસન્સ નહોતું લીધું કારણ કે અમે વિદેશથી ફંડિંગ લેવા જ નહોતા માંગતા. અમને આવકવેરાની નોટિસ આવી રહી છે. સમગ્ર લદાખમાં કોઈ ટેક્સ નથી લાગતો, અહીં ટેક્સથી મુક્તિ અપાઈ છે. તો મને કેવી રીતે સમન્સ પાઠવી શકો?