વધુ એક દેશમાં Gen-Z ના કારણે સરકાર ઘૂંટણિયે, બે યોજનાઓ પાછી ખેંચી
ભારતના પડોશી દેશ શ્રીલંકા, બાંગ્લાદેશ, અને નેપાળ બાદ હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે. ઇસ્ટ તિમોરના Gen-Zના આંદોલન સામે ત્યાંના સાંસદ અને સંસદગૃહ ઘૂંટણિયે થયું છે. સાંસદોએ યુવાનોના ગુસ્સા અને આંદોલનને ધ્યાનમાં લેતાં સંસદમાં વિરોધ થઈ રહેલા કાયદાની વિરુદ્ધ મતદાન કર્યું છે. Gen-Zએ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને સાંસદોના આજીવન પેન્શનના હકદારની મંજૂરી આપતો કાયદો રદ કરવાની માગ કરી છે. આ માગ સામે સાંસદો ઝૂકવા મજબૂર બન્યા છે.
ઇસ્ટ તિમોર એક ગરીબ દેશ છે, પરંતુ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મોટી રકમમાં આજીવન પેન્શન અને ભથ્થું ચૂકવવાનો કાયદો લઈ આવ્યું છે. આ કાયદામાં સરકારી અધિકારીઓને મળતાં મોટી રકમના ભથ્થા પર પણ કાપ મૂકવાની જોગવાઈ ઘડી છે. જેથી યુવાનોએ તેનો ભારે વિરોધ કર્યો છે. વધુમાં સાંસદોની ગાડીઓ માટે સરકારે 42 લાખ ડૉલરનો ખર્ચ કર્યો હતો. જેથી Gen-Z વધુ રોષે ભરાયા છે અને આંદોલન કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના એક વર્ગે 2006માં ઘડાયેલા આજીવન પેન્શનના કાયદાનો વિરોધ શરુ કર્યો હતો. આ વિરોધ ધીમે-ધીમે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મળતા આજીવન પેન્શન સુધી પહોંચ્યો હતો. જેના માટે સરકાર દર વર્ષે લાખો ડૉલરનો ખર્ચ કરી રહી છે. આ નિયમ અંતિમ વેતનની સમકક્ષ આજીવન પેન્શન આપવાની વ્યવસ્થા આપતી હતી. હવે યુવાનોના વિરોધ અને દેખાવો બાદ આ કાયદો રદ કરવામાં આવ્યો છે.
શુક્રવારે, સંસદમાં 65માંથી 62 સાંસદોએ સર્વાનુમતે કાયદા વિરુદ્ધ મતદાન કર્યું હતું. સંસદમાં ઠરાવ પસાર થયા પછી, ખુન્ટો પાર્ટીના સભ્ય ઓલિન્ડા ગુટીરેઝે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમનું આંદોલન પાછું ખેંચવા અને વિરોધ પ્રદર્શનો સમાપ્ત કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમની માંગણીઓ પૂર્ણ થઈ છે. કાયદો હવે પ્રમુખ જોસ રામોસ-હોર્ટા પાસે જશે, જે સ્વતંત્રતા સેનાની અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. તેમના હસ્તાક્ષર બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો, ભૂતપૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ અને ભૂતપૂર્વ સાંસદો સહિત અધિકારીઓ માટે પેન્શન પર પ્રતિબંધ લાદશે.
એક વર્ષ પહેલા સંસદે 65 સાંસદ માટે નવી એસયુવી ખરીદવાની યોજનાને મંજૂરી આપી ત્યારે દેખાવો શરુ થયા હતા, જેની કુલ રકમ પ્રતિ કાર $ 61300 હતી, જે કુલ $42 લાખ હતી. આ યોજનાથી વ્યાપક અસંતોષ ફેલાયો હતો, અને હવે, Gen Z વિરોધ પછી નેપાળમાં સરકાર પલટાયા બાદ ઇસ્ટ તિમોરમાં આંદોલન વેગવાન બન્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી રાજધાની દિલીના રસ્તાઓ પર વિદ્યાર્થીઓના જોરદાર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્રણ દિવસના તીવ્ર હોબાળા, અંધાધૂંધી અને હિંસક અથડામણો પછી, સરકારે આખરે શરણાગતિ સ્વીકારી અને કાર ખરીદી યોજના સહિત પેન્શન કાયદાને રદ કર્યો.