રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
શંખેશ્વર તીર્થમાં શાસન રક્ષક શ્રી માણિભદ્ર વીર દાદાના અવતરણ દિને ભવ્ય મહાપૂજન-હવન યોજાયો
મુંદરા (કચ્છ) તા. 27 : ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ પર આવેલા શંખેશ્વર (પાટણ) મહાતીર્થ ખાતે બિરાજમાન પૂજ્ય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબની પાવન નિશ્રામાં શાસન રક્ષક, હાજરાહજૂર અને તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદાના અવતરણ દિવસ નિમિત્તે એક ભવ્ય 1008 આહુતિ યુક્ત મહાપૂજન-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય પૂજન-હવનનો લાભ સ્વ.રંજનબેન ધનજીભાઈ ભાણજી દેઢિયા અને સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમતી કવિતાબેન કુલીનભાઈ દેઢિયા, તેમના પુત્ર-પુત્રવધૂ જીત-શ્રીયા અને પુત્ર કેવિન સહિતનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કચ્છના કોડાય ગામના અને હાલ મલાડ (મુંબઈ) ખાતે રહેતા આ પરિવારે આ ધાર્મિક કાર્યનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજય મ.સા. પણ ખાસ પધાર્યા હતા.
આ મહાપૂજન-હવનમાં 1008 મંત્રો સાથે આહુતિ આપવામાં આવી હતી, જેમાં ચંદન-સુખડના લાકડા, વિશિષ્ટ ઔષધયુક્ત ગોળીઓ, સમિધા અને શુદ્ધ ઘી જેવી સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. આહુતિ બાદ મોટી શાંતિનો પાઠ અને નાળિયેરનો ગોળો હોમીને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં આરતી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબે માણિભદ્ર વીર દાદાનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, “માણિભદ્ર વીરની આરાધના કરનારને તાત્કાલિક તેની ફળશ્રુતિ મળે છે. તેઓ હાજરાહજૂર અને પ્રત્યક્ષ દેવ છે, જે દરેક વ્યક્તિને તેમના કાર્યોની સફળતા માટે મદદરૂપ થાય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે શ્રી માણિભદ્ર વીર દાદાનું પિંડ મગરવાડામાં, ધડ આગલોડમાં અને મસ્તક ઉજ્જૈનમાં પૂજાય છે. તેમના મુખ્ય વાર ગુરુવાર અને રવિવાર છે.
આ ભવ્ય કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી હેતલબેન ડાભી, શંખેશ્વરના પી.આઈ. શ્રીમતી અરુણાબેન પટેલ, ગુરુભક્ત પરેશભાઈ શાહ અને જૈનેન્દ્ર જૈન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમરત્ન માનસેવા ચેરિટેબલ ટ્રસ્ટે દાતા પરિવારની અનુમોદના કરી તેમને બિરદાવ્યા હતા. મુંબઈ, અમદાવાદ, કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિત વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી પૂજન-હવનનો લાભ લઈ ધન્ય બન્યા હતા. એવું શંખેશ્વર તીર્થથી જૈનમુનિશ્રી નયશેખર મહારાજ સાહેબે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com