KUTCHMUNDRA

મુંદરાનો ‘ગૌરવ પથ’ વેપારીઓનો નફાપથ : રાહદારીઓની સુરક્ષા સામે સવાલ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુંદરાનો ‘ગૌરવ પથ’ વેપારીઓનો નફાપથ : રાહદારીઓની સુરક્ષા સામે સવાલ

 

મુંદરા, તા. 27 : કરોડોના ખર્ચે નવનિર્મિત મુંદરાના મુખ્ય માર્ગ બારોઈ રોડને ભલે ‘ગૌરવ પથ’નું રૂપાળું નામ આપવામાં આવ્યું હોય પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં તે વેપારીઓનો ‘નફાપથ’ અને રાહદારીઓ માટે અસુરક્ષાનું કારણ બન્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ માર્ગના લોકાર્પણને ગણતરીના દિવસો થયા હોવા છતાં ફૂટપાથ પર થઈ રહેલા બેફામ અતિક્રમણ અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે તેનો મુખ્ય હેતુ નિષ્ફળ જઈ રહ્યો છે.

જે ફૂટપાથ રાહદારીઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે તે આજે લારી-ગલ્લાં, દુકાનોના સામાન અને બેફામ વાહન પાર્કિંગથી ભરાઈ ગયો છે. પરિણામે નાના બાળકો, વૃદ્ધો અને અન્ય પદયાત્રીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. ટ્રાફિકના નિયમો નેવે મૂકીને રોડ પર ગમે ત્યાં વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગૌરવ પથ પર વાહનો બેફામ ગતિથી દોડતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે.

ભુજ જેવા જિલ્લા મથકમાં ફૂટપાથ પર પાર્કિંગ કરનારા વાહન માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, તો પછી જિલ્લા પોલીસના વડાની હેઠળ આવેલા તાલુકા મથક મુંદરામાં આ નિયમ કેમ લાગુ પાડી શકાતો નથી? જિલ્લા કક્ષાએથી પોલીસ તંત્રને આ બાબતે યોગ્ય સૂચના આપવાની જરૂર છે, કારણ કે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના સંકલન વિના આ સમસ્યાનું નિરાકરણ શક્ય નથી.

નગરજનોની માંગણી અને લાગણી છે કે, નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે ફૂટપાથ પરથી અતિક્રમણ દૂર કરવા માટે સખત ઝુંબેશ ચલાવે અને ગેરકાયદેસર પાર્કિંગ સામે દંડાત્મક કાર્યવાહી કરે. જે રીતે તાલુકા પંચાયત નજીક સાંકળો લગાવીને ફૂટપાથને સુરક્ષિત કરવામાં આવી છે, તેવી જ વ્યવસ્થા સમગ્ર ‘ગૌરવ પથ’ પર ગોઠવવામાં આવે.

આશા છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરશે અને મુંદરાના ગૌરવ પથને ખરા અર્થમાં પ્રજાના ગૌરવ માટેનું સ્થાન બનાવશે.

 

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!