મોરવા(હ)માં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો: ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
મોરવા(હડફ): દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના પ્રેરક માર્ગદર્શન હેઠળ તારીખ ૨૫/૦૯/૨૦૨૫ના રોજ મોરવા હડફ તાલુકાની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવાનોને રોજગારી આપવાના સંકલ્પ સાથે મેગા રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર અને રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન આપી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા હતા.
૩૦થી વધુ કંપનીઓ, ૬૦૦થી વધુ ઉમેદવારો
આ મેગા ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાની ૩૦થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓ દ્વારા ૧૫૦૦થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા.
ભરતી મેળામાં ધોરણ ૮ પાસ થી લઈને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ૬૦૦થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના માધ્યમથી કુલ ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
મુખ્ય નોકરીદાતાઓ
ભરતી મેળામાં હાલોલ સ્થિત હીરો મોટો કોર્પ, જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઈન્ડિયા પ્રા.લી, જેસીબી ઈન્ડસ્ટ્રીઝ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્માસ્યુટિકલ, ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા લિમિટેડ જેવી પંચમહાલ જિલ્લાની અગ્રણી કંપનીઓ તેમજ અન્ય મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કંપનીઓ હાજર રહી હતી.
આ પ્રસંગે મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોતિકાબેન બારીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, અધિકારી-કર્મચારીઓ તેમજ નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ સહિત ૬૦૦થી વધુ મહિલા અને પુરુષ ઉમેદવારો હાજર રહ્યા હતા. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઉમેદવારોને સ્વરોજગારની સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.