જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ કમિટીની બેઠક મળી હતી જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં, જાહેર સ્થળો પર તમાકુ કે તમાકુની બનાવટોના સેવન ન કરવા બદલ ગંભીરતા પૂર્વક નિયમોનું પાલન થાય તે અંગે વિવિધ પગલાંની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાની ૧૩૦૬ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ૮૮૪ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને આ અધિનિયમમાં આવરી લેવામાં આવી છે. તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારોમાં તમાકુ, સિગારેટ કે તમાકુની બનાવટોનું કે અન્ય કોઈપણ નશાકારક વસ્તુઓનું વેચાણ ઉત્પાદન કરી શકાતું નથી. તેમજ બાળકોને આવી વસ્તુઓ વેચવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.આ ઉપરાંત જિલ્લામાં જાહેર સ્થળોએ તમાકુ કે તમાકુની બનાવટોનું સેવન કરવું, સિગારેટ પીવી, ગંદકી કરવી, પ્રદૂષણ ફેલાવવું વગેરે અન્વયે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રૂ. ૧૧૭૦, સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. ૨૦,૦૦૦, આરોગ્ય શાખા દ્વારા રૂ. ૨૬,૨૫૦ જેટલો દંડ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ વિરુદ્ધ જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન થકી ગત વર્ષથી લઈને ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ૧,૮૪,૩૫૨ જેટલા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા છે. તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા અને તમાકુ મુક્ત વિસ્તાર આવા સરકાર માન્ય માહિતી દર્શાવતા બોર્ડ પણ લગાવવાના રહે છે. આ અંગે નેશનલ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ ૧૧૨ ૩૫૬ પરથી માહિતી મેળવી શકાય છે. ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન સહિત સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ