GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

MORBI:મોરબીમાં પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

 

 

જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી

મોરબીમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ પ્રસંગે શ્રી હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક છેવાડાના વ્યક્તિ તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું. આજના સમયે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તથા જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડી વર્કરની ભૂમિકા મહત્વની છે. આ કાર્ય કામગીરીરૂપે નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક બાળકો સાથે આત્મીયતા દાખવી નાના નાના ભૂલકાંઓમાં પ્રેમ અને લાગણીથી સુસંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું.

આઈ.સી.ડી.એસ. – મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ વધારવા બાબતે તેમને જાગૃત કરવા માટે ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન ઉપાધ્યાયએ કર્યું હતું. આભારવિધિ સીડીપીઓશ્રી ડો.વૈશાલીબેન પટગીરએ કરી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, સીડીપીઓ સર્વશ્રી, અગ્રણીશ્રી વાઘજીભાઈ ડાંગરોચા અને ઈશુભાઈ શેરશીયા, આંગણવાડીના કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!