MPC બેઠક : રેપો રેટમાં રાહતની સંભાવના…!!

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રેપો રેટ સહિતના મહત્વપૂર્ણ નાણાકીય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે, જેની જાહેરાત ૧ ઑક્ટોબરે થશે. હાલ રેપો રેટ ૫.૫૦% છે, જેને આરબીઆઇએ છેલ્લા કેટલાક મહિનાથી યથાવત્ રાખ્યો છે. આ વખતે નિષ્ણાતોમાં મતભેદ છે. કેટલાક માને છે કે અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં આરબીઆઇ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જ્યારે બીજાઓનું માનવું છે કે વ્યાજદરમાં ઘટાડો કરીને માગ અને વપરાશને વધુ પ્રોત્સાહન આપી શકાય છે.
આ વર્ષે આરબીઆઇ અત્યારસુધી કુલ ૧%નો ઘટાડો કરી ચૂક્યું છે. ફુગાવામાં ઘટાડો અને જીએસટી સુધારા માગમાં વૃદ્ધિ લાવી રહ્યા છે, એટલે રેપો રેટ યથાવત રહેવાની શક્યતા છે. બીજી તરફ, CPI ફુગાવો હજી તળિયે પહોંચ્યો નથી, પરંતુ GST સુધારાથી વધુ ઘટાડાની સંભાવના છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધી ફુગાવો ૪% અથવા તેનાથી નીચે જળવાશે. વિશેષજ્ઞોના મત અનુસાર, જો ઑક્ટોબરમાં ફુગાવો ૧.૧%ની આસપાસ રહેતો હોય, તો તે ૨૦૦૪ પછીનો સૌથી નીચો સ્તર ગણાશે. આ પરિસ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય મધ્યમ વર્ગ માટે ખરેખર રાહતરૂપ સાબિત થઈ શકે છે.


