KUTCHMUNDRA

મુંદરામાં ચાતુર્માસ નિમિત્તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેરક પ્રવચનો યોજાયા 

પ્રેસનોટ રિપોર્ટ : પુજા ઠક્કર

મુંદરામાં ચાતુર્માસ નિમિત્તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેરક પ્રવચનો યોજાયા 

 

મુંદરા,તા. 30 : ચાતુર્માસ પરિપૂર્ણ થવાને આરે છે ત્યારે મુંદરાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં પૂજ્ય મહારાજ સાહેબોના પ્રેરણાદાયી પ્રવચનો યોજાઈ રહ્યા છે. આ પ્રવચનોનો હેતુ વિદ્યાર્થીઓને જીવનના સાચા મૂલ્યો અને કર્તવ્યોનું જ્ઞાન આપવાનો છે.

 

સી.કે.એમ. કન્યા વિદ્યાલયમાં સાધ્વીજી શ્રીચારુપ્રસન્નાજી મ.સા.નું પ્રવચન

 

સી.કે.એમ. કન્યા વિદ્યાલયમાં હાઈસ્કૂલની લગભગ 700 વિદ્યાર્થીનીઓને સંબોધતા સાધ્વીજી ભગવંત શ્રીચારુપ્રસન્નાજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, “તમે કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પરંતુ તમે કેવું જીવ્યા તે મહત્વનું છે.” તેમણે વિદ્યાર્થીનીઓને પોતાનું જીવન એવું જીવવા માટે પ્રેરણા આપી કે તેમનું જીવન જોઈને બીજાના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આદર્શ અને આનંદમય જીવન જીવવા માટે જે જગ્યાએ છો ત્યાં વફાદાર રહેવું, નિયમોનું પાલન કરવું અને ખોટી બાબતોનો ત્યાગ કરવો જરૂરી છે.

સાધ્વીજીએ વિદ્યાર્થીનીઓને શાળામાં વિદ્યા, ગુરુ અને વિદ્યાર્થી – આ ત્રણેય પ્રત્યે સાચો અભિગમ કેળવવાની શીખ આપી. તેમણે સમાજના નિયમોનું પાલન કરવા અને માતા-પિતાની નજીક રહેવાનું મહત્વ સમજાવ્યું, ખાસ કરીને માતાને એક સાચા મિત્ર તરીકે ગણીને તેમની સાથે તમામ અંગત વાતો આપ-લે કરવાની સલાહ આપી હતી. તેમણે સ્ત્રીના સશક્તિકરણ પર ભાર મૂકતા કહ્યું કે, “એક સ્ત્રી મજબૂત તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત બની શકે છે.” આ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીનીઓને ટીવી અને મોબાઈલ પાછળ કિંમતી સમય બરબાદ ન કરવા અને મનને નિર્મળ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.

 

બી.એડ. કોલેજમાં તીર્થહિર વિજયજી મહારાજ સાહેબનું પ્રવચન

 

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થ ભદ્ર સૂરીશ્વરજીના શિષ્ય તીર્થહિર વિજયજી મહારાજ સાહેબે બી.એડ. કોલેજમાં પ્રવચન આપતા સાદા જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દાળ, ભાત, શાક, રોટલી જેવો સાદો ખોરાક લેવાની સલાહ આપી, જેનાથી મગજ શાંત રહે અને બીમારીઓથી પણ બચી શકાય.

મહારાજ સાહેબે પાંચ કર્તવ્યોનું મહત્વ સમજાવ્યું અને વિશ્વશાંતિ માટે નવકાર મહામંત્રના જાપનું પણ મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ કૈલાશ નાંઢા, દીપકભાઈ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, જૈન અગ્રણી ભોગીભાઈ મહેતા, શાસન પ્રેમી રિતેશ પરીખ, દિવ્ય મહેતા અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એવું તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!