Dhoraji: નેશનલ કો-ઓપ.ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આભાર માનતા ભોળા ગામના ખેડૂતો
તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રમાણીકરણ થશે અને ખેડૂતોને સારા ભાવ મળતાં તેઓ સમૃદ્ધ થશે
ભોળા સેવા સહકારી મંડળીના ખેડૂતોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી ધન્યવાદ પાઠવ્યા
Rajkot, Dhoraji: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જી.એસ.ટી. ઘટાડવામાં આવ્યો છે. ઉપરાંત નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. જેના કારણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, ત્યારે ધોરાજી તાલુકાના ભોળા ગામની સેવા સહકારી મંડળીના ખેડૂતોએ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રકટ કર્યો છે.
ભોળા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ટીલાળા તથા મંત્રી શ્રી અંકિત વોરાએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની ચિંતા કરવા બદલ અને તેમને આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓ બદલ મંડળી સાથે જોડાયેલા ૭૦થી વધુ ખેડૂતોએ પત્ર સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ તાજેતરમાં કરેલા જી.એસ.ટી. દરમાં ઘટાડાના કારણે કરોડો ગ્રાહકો, વેપારી, ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. સાથોસાથ કૃષિ અને સહકારી ક્ષેત્રે અનેક સુધારાલક્ષી અમલીકરણ થકી કૃષિ, ડેરી, સહકારી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે.
ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કો-ઓપ. ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપનાથી એકતરફ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનું સરળતાથી સર્ટીફિકેશન થશે અને પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના બજાર ભાવ સારા મળવાથી ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થશે.
ઉપરાંત પશુપાલન ધિરાણથી કૃષિ સાથે સંલગ્ન પશુપાલનની પ્રવૃત્તિને પણ વેગ મળશે અને ખેડૂતો તેમજ પશુપાલકોના જીવનમાં આર્થિક ક્રાંતિ આવશે. આ સાથે ખેડૂતોએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આપેલા સહાય પેકેજ, વેરહાઉસ નિર્માણ માટે સરકાર તરફથી મળેલી સહાય, યાર્ડમાં આધુનિક સુવિધાઓ, ખેડૂત કલ્યાણ યોજનાઓ, પ્રોસેસિંગ યુનિટની સ્થાપનામાં આપેલી સહાયથી ખેડૂતને મળતા ફાયદાઓ, કૃષિ ક્ષેત્રે આધુનિકરણ, ખેડૂત મિત્રોને પોષણક્ષમ ભાવ, કૃષિ ઉત્પાદનના સંગ્રહ માટે આધુનિક ગોડાઉન સહાય સહિત અનેક યોજનાકીય કામગીરીથી ખેડૂતોને અનેકગણો ફાયદો કરાવવા બદલ આભાર પત્ર લખી તેમની લાગણી વ્યક્ત કરી હતી.