તા.૩૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના ભરસડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રૂપસિંગભાઈ બારીયા ફળ-ફુલોની ખેતી કરી વાર્ષિક 2 લાખથી વધુની મેળવી રહ્યા છે આવક
રાસાયણિક ખાતર અને દવા છોડીને પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરવી જોઈએ એમાં સૌની ભલાઈ છે : ખેડૂત રૂપસિંગભાઈ બારીયા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામના ખેડૂત રૂપસિંગભાઈ બારીયા છેલ્લા પાંચ વર્ષથી આત્મા પ્રોજેક્ટમાં જોડાઈને વિવિધ સ્થળે તાલીમ લઈને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતીમાં તેઓ શાકભાજી, અનાજ, ફળફળાદીના વૃક્ષો, આયુર્વેદિક ઔષધીઓ, ગુલાબના અને ગલગોટાના ફૂલો સહિતની ખેતી કરીને વાર્ષિક 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.ખેડૂત રૂપસિંહભાઇ બારીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને ત્યારબાદ મેં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આ ખેતીમાં હું જીવામૃત ,ધનજીવામૃત જાતે બનાવી તેનો ખેતીમાં છંટકાવ કરૂ છું.મારા ખેતરમાં ૨૫૦થી વધુ આંબાના ઝાડ, સાથે ચીકુ, જામફળી, આમળી , દેશી સાગ લીમડા, નીલગીરી જેવા છોડ છે સાથે અનાજમાં મકાઈ, ડાંગર, ચણા, ઘઉં, સોયાબીન, અડદ, અને શાકભાજીમાં મોટાભાગે તમામ પ્રકારના શાકભાજીની ખેતી કરું છું. જેવા કે ગવાર, ભીંડા, ચોળી, કારેલા, કંકોડા, રીંગણ, મરચા, ધાણા, મેથીની ભાજી, પાપડી અને આયુર્વેદિક ઔષધીઓ, તેમજ મારા ખેતરમાં બારેમાસ ફૂલોની ખેતી ચાલુ રહે છે. જરૂર પડે ત્યારે ગલગોટા અને ગુલાબના નવા રોપાની ફેરબદલ કરીએ છીએ. ફુલોમાંથી અને કેરીઓમાંથી અમને સારી એવી આવક મળી રહે છે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં ખર્ચ નહીવત જેટલો થાય છે, અને આવક બમણી થવા લાગી છે. સાથે જમીન પોચી બની, ભેજની ક્ષમતા વધી, અને ખેતીમાં પિયતની સંખ્યા ઘટવાના કારણે પાણીની જરૂર પણ ઓછી પડે છે. સાથે જ આખા એ ખેતરમાં અળસિયાઓ દ્વારા જમીનને એટલી પોચી બનાવતા કુદરતી રીતે વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જેથી પાણીના સ્તર ઉપર આવે છે.આજે લોકોમાં નવા નવા રોગ ઉભા થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ છે રાસાયણિક દવા અને ખાતર છે એટલે આપણે રાસાયણિક ખાતર અને દવા છોડીને પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરવી જોઈએ એમાં સૌની ભલાઈ છે. સાથે હું દાહોદ જિલ્લાના ખેડૂતોને કહેવા માંગુ છું કે, પ્રાકૃતિક ખેતીથી કરેલું અનાજ ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે સાથે જ આપણા અને આપણા પરીવારને સ્વસ્થ અને તંદુરસ્ત રોગો મુક્ત રાખે છે એટલે પ્રકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરો એવી મારી દાહોદ જિલ્લાના ખેડૂતોને સલાહ સૂચન અને વિનંતી છે