મહીસાગરમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત ૬૫ હજારથી વધુ લાભાર્થીઓએ મેળવ્યો સ્વાસ્થ્ય લાભ
******
અમીન કોઠારી મહીસાગર…
લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી સેવા આપી
******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં તારીખ ૧૭/૦૯/૨૦૨૫ થી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયા અભિયાન’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્યલક્ષી જાગૃતિ અને સેવાઓના પ્રસાર માટે યોજાયેલા આ અભિયાનમાં કુલ ૨૩૯ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જ્યાં રોજેરોજ નિયમિતપણે મેડિકલ ચેકઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી.
અભિયાન દરમિયાન મહિલાઓ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલોમાં અલગથી ઓ.પી.ડી. (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ) ચલાવવામાં આવી હતી, જેથી તેમને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી શકે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો (સા.આ.કેન્દ્ર) ખાતે છ જેટલા તજજ્ઞોની સેવાઓ મેડિકલ કેમ્પમાં સતત ઉપલબ્ધ રહી હતી. આ ઉપરાંત, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.)ના સહયોગથી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રા.આ.કેન્દ્ર) ખાતે પણ ઉપલબ્ધ તજજ્ઞો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓનું મેડિકલ ચેકઅપ અને સારવાર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જનકલ્યાણકારી અભિયાનના ભાગરૂપે જિલ્લામાં કુલ ૨,૩૦૬ જેટલા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેનો લાભ આશરે ૬૫,૧૧૮ જેટલા નાગરિકોએ લીધો હતો. આ અભૂતપૂર્વ સફળતા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સહભાગી સંસ્થાઓ, મેડિકલ સ્ટાફ, તજજ્ઞો અને આઈ.એમ.એ.નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, અને જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ભવિષ્યમાં પણ સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.