આકાશથી વીજળી પડતા પિતા પુત્ર સહિત અન્ય સાત લોકોનો મોત
યૂપીના ફતેહપુર જિલ્લામાં મંગળવાર સાંજે આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો છે. અહીં સદર તાલુકાના ત્રણ અલગ અલગ જગ્યાએ આકાશી વીજળી પડવાથી પિતા પુત્ર સહિત અન્ય સાત લોકોનો મોત થયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો ખૂબ જ દુ:ખી છે. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે પરિવારજનોને શક્ય એટલી મદદ કરવાની ખાતરી આપી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.
પહેલી ઘટના ફતેહપુરના ગાઝીપુર વિસ્તારમાં બન્યો હતો. જેમાં 75 વર્ષીય નિવૃત્ત રેલ્વે કર્મચારી દેશરાજનું આકાશી વીજળી પડવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સિમોરના રહેવાસી દેશરાજ એક નજીકના સગાનાં ઘરેથી મુંડન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં ભારે વરસાદ પડતાં તે વડના ઝાડ નીચે ઊભા રહી ગયા હતા. આ દરમિયાન દેશરાજ પર વીજળી પડી હતી. જે અંગે સમાચાર મળતા તાત્કાલિક તેમના પરિવારજનોએ તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
બીજી ઘટના અસોથર વિસ્તારના જરૌલી ગામમાં બની હતી. અહીં પ્રાથમિક સ્કૂલની પાછળના ભાગના જંગલમાં પોતાના ઢોર ચરાવતા બે યુવાનો પર વીજળી પડી. જ્યાં નીરજ ગુપ્તા અને કલ્લુ ગુપ્તાનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમના સાથી વિપિન રૈદાસને નજીકના કોમ્યુનિટી સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ત્રીજી ઘટના લાલૌલી જિલ્લાના દતૌલી ગામમાં બની હતી. 36 વર્ષીય ઘેટાં ચરાવનાર રવિ પાલ બપોરે પોતાના 14 વર્ષના પુત્ર ઋષભ સાથે જંગલમાં ગયો હતો. જ્યાં સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ શરૂ થયો, અને બંને પોતાની જાતને બચાવવા માટે નજીકના મહુઆના ઝાડ નીચે ઉભા રહ્યા. તે દરમિયાન ઝાડ પર વીજળી પડી હતી જેથી ઘટના સ્થળે પિતા પુત્રનું મૃત્યુ થયું હતું.
રાત્રીના આશરે 9 વાગ્યાની આસપાસ જ્યારે રવિ પાલના ઘેટાં તેમના માલિક વિના ઘરે પાછા ફર્યા, ત્યારે પરિવાર અને ગ્રામજનો ચિંતિત થયા હતા. જેથી પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી, શોધખોળ દરમિયાન ઝાડ નીચે પડેલા બે માણસોના મૃતદેહ મળી આવ્યા. જેથી પરિવારમાં વ્યાપક ગભરાટ ફેલાયો. વધુમાં સદર તાલુકા થરિયાણવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરાસાદતની રહેવાસી 40 વર્ષીય સના બાનોનું પણ વીજળી પડવાથી મૃત્યુ થયું.
તો અહીં, ખાગા તાલુકાના કિશનપુર વિસ્તારના અફઝલપુર ગામના રહેવાસી 45 વર્ષીય જાગેશરણ નિષાદ ભેંસો ચરાવતી વખતે એક ઝાડ નીચે ઉભા હતા. જ્યા વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયું. આ સાથે જિલ્લામાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે.