Jasdan: માધવીપુરના ૯૫ વર્ષીય કાશીમાંએ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતુ પોસ્ટકાર્ડ લખ્યું
તા.૧/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સહિયારા પ્રયાસોથી જ ગામ અને દેશ સમૃદ્ધ બને: – હંસાબેન કાકડીયા
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રે થઈ રહેલા વિકાસથી ગ્રામીણ લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાના માધવીપુર ગામમાં મહિલાઓ સંચાલિત દૂધ મંડળીથી ગામની મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે. પશુપાલનથી મહિલાઓનાં હાથમાં આર્થિક વ્યવહાર તેમજ સામાજિક અને શૈક્ષણિક પરિવર્તન જોઈને ગામના વરિષ્ઠ મહિલા કાશીબેન વેકરીયા ખુશ થયા છે. ૯૫ વર્ષીય કાશીમાંએ પોતાની પૌત્રી પાસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતું પોસ્ટકાર્ડ લખાવ્યું હતું. ૯૫ વર્ષની ઉંમરમાં લીલા-સુકા દિવસો જોનાર કાશીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે કાર્યરત યોજનાઓથી ખુશ થયા છે.
માધવીપુર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી હંસાબેન કાકડીયા અને અન્ય ૫૧ મહિલા સભાસદોથી ગામની દૂધ ઉત્પાદક મંડળી ધમધમે છે. પ્રમુખશ્રીએ આ તકે કહ્યું કે, સહિયારા પ્રયાસોથી જ ગામ અને દેશ સમૃદ્ધ બને છે. ગામની મહિલાઓ મુખ્ય રીતે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે. ખેતીમાં ઉભા પાકની કિંમત તુરંત નથી આવી જતી. પાકની વાવણીથી કાપણી સુધી રાહ જોવી પડે છે. પરંતુ પશુપાલન વ્યવસાયથી આર્થિક વ્યવહાર ઝડપી બને છે. અને પશુપાલન મુખ્ય રીતે મહિલાઓનાં હાથમાં જ હોય છે. જેથી આર્થિકની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પણ મહિલાઓ સશક્ત બને છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે કલ્યાણકારી યોજનાઓ થકી સ્વરોજગારી અને સ્વાવલંબનની દિશાઓ ખુલી છે. મહિલાઓ અને યુવાનો સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી રહ્યાં છે, જેનાથી ગ્રામીણ જીવન ધોરણ ઊંચું આવ્યું છે.