Rajkot: ટોપલેન્ડ રેસીડેન્સી ખાતે મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ‘વિશ્વ હૃદય દિવસ’ ની ઉજવણી
તા.૧/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગત ૨૯ સપ્ટેમ્બર ના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ નિમિત્તે જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતાં. આજના બેઠાડુ જીવનમાં ખાસ કરીને હૃદય રોગ માટે મેદસ્વિતા પણ જવાબદાર છે. હૃદય રોગ અને મેદસ્વીતા બંને એક બીજા સાથે ગાઢ સંબંધિત છે. જેને ધ્યાને રાખી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજકોટ ખાતેના યોગ બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ ચાલી રહેલા કેમ્પમાં દરેક વિશ્વ હૃદય દિવસની ઉજવણી મહાનુભાવો સાથે અને ડોક્ટરની મુલાકાતો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રૈયા રોડ પર ચાલતા ટોપલેન્ડ રેસીડેન્સીના કેમ્પસમાં નેચરોપથી એક્સપર્ટ ડો. શ્રી કિશનભાઇ દુધરેજીયા દ્વારા કુદરતી ઉપચારથી જ હૃદયની તંદુરસ્તી કેવી રીતે રાખી શકાય તે બાબતે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જીવન શૈલીને કુદરતી રીતે જીવી અને કઈ રીતે રોગમુક્ત બની શકાય તે વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. આ તકે યોગ બોર્ડના કોચ અને ટ્રેનર દ્વારા દરેકને પાલક અને કોથમીરનું સૂપ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટોપ લેન્ડ રેસીડેન્સીના પ્રમુખશ્રી તુષારભાઈ અને સોસાયટીના સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો.