સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી ભેટ! સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો
દિવાળીના પહેલા પહેલા જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું 55 ટકાથી વધારીને 58 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આ પગલાથી આશરે ૪૯.૧૯ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૮.૭૨ લાખ પેન્શનરોને ફાયદો થશે.
મંત્રીમંડળે જણાવ્યું હતું કે, “મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) બંનેમાં વધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક ૧૦,૦૮૩.૯૬ કરોડ રૂપિયાનો સંયુક્ત પ્રભાવ પડશે.” આ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે મંજૂર કરાયેલ ફોર્મ્યુલા પર આધારિત છે. આ ફોર્મ્યુલા હેઠળ, પગાર અને પેન્શન ફુગાવા માટે સમાયોજિત કરવામાં આવે છે. તે 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.
મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા કર્મચારીના મૂળ પગારના આધારે કરવામાં આવે છે. રાજ્ય સરકારો સામાન્ય રીતે કેન્દ્ર સરકારની જાહેરાત પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લે છે.