વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગાંધી જયંતી નિમિત્તે ગિરિમથક સાપુતારા ખાતે સ્વચ્છતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યોને સન્માનવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લા આહવા એસટી ડેપોનાં મેનેજર કિશોરસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડને સ્વચ્છ રાખવા માટે અથાક મહેનત કરતા સફાઈ કામદાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ‘સ્વચ્છતા હી સેવા’ના વિચારને આગળ વધારતા, ફરજ પરના તમામ સફાઈ કર્મીઓને સન્માન પત્ર એનાયત કરીને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ ઉપરાંત, સાપુતારા કંટ્રોલ પોઇન્ટ પર પણ એક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાપુતારા ગામના વતનીઓ અને અગ્રણીઓ તેમજ સફાઈ કર્મચારીઓનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપતા સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં સાપુતારા ડેપોનાં કન્ટ્રોલર મંગેશભાઈ દેશમુખ સહિત સાપુતારા નવાગામનાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા પ્રત્યેની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સફાઈ કર્મીઓનું સન્માન કરીને સમાજે તેમના યોગદાનને બિરદાવ્યું હતુ અને સ્વચ્છ ભારત મિશનને વધુ મજબૂત બનાવ્યું હતુ.