GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘સહી પોષણ દેશ રોશન’: બાળકોની તંદુરસ્તી માટે પોષણયુક્ત આહાર જરૂરી

તા.૨/૧૦/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

સરકારશ્રી દ્વારા માતા અને બાળને પોષણયુક્ત આહાર પૂરો પાડતી ‘માતૃશક્તિ’ અને ‘બાલશક્તિ’ યોજના

૬ માસ સુધીના બાળકને માતાનું દૂધ જ આપવું

મોબાઈલ અને જંકફૂડ મેદસ્વિતા માટે જવાબદાર, બાળકોને મીલેટ્સની વાનગીની ટેવ પાડવી જરૂરી

Rajkot: માત્ર યુવાનો અને વડીલોએ જ નહીં પરંતુ નાના બાળકોની તંદુરસ્તી માટે પણ યોગ્ય પોષણયુક્ત આહાર જરૂરી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડાયેટિશિયનશ્રી અનિતા રાવલ જણાવે છે કે, બાળકના પ્રથમ છ માસ માટે માતાનું દૂધ સૌથી ઉત્તમ ખોરાક છે. આ સમય દરમ્યાન બાળકને યોગ્ય માત્રામાં દૂધ મળી રહે તે માટે માતાએ પણ ડાયેટ ફોલો કરવું જોઈએ. માતાએ તેના આહારમાં મીલેટ્સનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ સારી માત્રામાં બાળકને મળી રહે તે માટે કોકોનટ, રાગી, સતાવરુ પાવડર, સુવાદાણા, જીરા પાવડરનું સેવન કરતુ રહેવું જોઈએ.

બાળક ૬ માસનું થાય ત્યારબાદ રાબ, ખીર, બીટરૂટ, રાગીમાંથી કાંજી તૈયાર કરી બાળકને સેવન કરાવી શકાય. સાથોસાથ બાળકને મગનું, ભાતનું કે દાળનું ઓસામણ આપી શકાય. જે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સહિતના જરૂરી ન્યૂટ્રિશિયન પુરા પાડે છે. વધુમાં બાળકને સેરેલીક પાવડર આપવામાં આવતો હોઈ છે. જે બાળકનો ગ્રોથ અને તંદુરસ્તી વધારે છે. સામાન્ય રીતે બાળકને દોઢ વર્ષ સુધી માતાનું દૂધ આપી શકાય ત્યારબાદ ધીરે ધીરે તેમની ટેવ છોડાવવી જોઈએ તેમ શ્રી અનિતા જણાવે છે.

બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેને ખોરાકમાં ઘરની વાનગી જ આપવી જોઈએ તેમ ખાસ ભાર આપતા ડાયેટિશિયન શ્રી અનિતા જણાવે છે. જો બાળકને બિસ્કિટ, ખારી જેવી બેકરીની વાનગી તેમજ તૈયાર પડીકા આપવામાં આવશે તો બાળકમાં મેદસ્વિતા ઘર કરી જશે. આજકાલ બાળકને મોબાઈલ આપવાથી તેની શારીરિક પ્રવૃતિઓ ઘટતા બાળક સ્થૂળ થતું જઈ રહ્યું છે. માટે વાલી દ્વારા બાળકોની શારીરિક પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

મેદસ્વિતા તરફ આગળ વધતા લોકોએ ચરબીયુક્ત ખોરાક નહીં પરંતુ મીલેટ્સમાંથી બનેલા ધાન્ય ખોરાક અને શારીરિક શ્રમ કરવો જરૂરી છે.

સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળની વિભાવનાને સાર્થક કરવા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ખાસ અભિયાન કાર્યરત છે. દરેક આંગણવાડીમાં સગર્ભા સ્ત્રીઓ અને માતાઓને ‘માતૃશક્તિ’ યોજના હેઠળ ખાસ પેકેટ આપવામાં આવે છે. જયારે બાળકો માટે ‘બાલશક્તિ પેકેટ’ આપવામાં આવે છે.

જેમાં મીલેટ્સના જાડા ધાન્યનો લોટ આપવામાં આવે છે. જેમાંથી રાબ, શિરો, સુખડી, ભાખરી, પુડલા, થેપલા, બિસ્કિટ જેવી ચાલીસ જેટલી વાનગી બનાવી તેને ખોરાક તરીકે લઈ શકાય છે. વધુમાં પોષણ માસ અભિયાન અન્વયે બાળકને મેદસ્વિતાથી બચાવવા ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેમાં બાળકને બહારના જંકફૂડની ટેવથી બચવા અને યોગ્ય આહાર લેવા સમજાવવામાં આવે છે, તેમ આઈ.સી.ડી.એસ.ના અધિકારીશ્રી જણાવે છે.

બાળક મેદસ્વી ના બને તે માટે ખાસ આહાર અને વિહાર જરૂરી છે. બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે માટે તેમને ઘરે બનાવેલો યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે માતાએ જાગૃત બનવું જરૂરી છે. સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા થકી સ્વસ્થ અને નિરોગી સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સાથે સૌ સહભાગી બની સશક્ત ભારતના નિર્માણમાં એક કદમ આગળ આવીએ.

Back to top button
error: Content is protected !!