Rajkot: મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રૂ. ૫૦ કરોડથી વધુના ખર્ચે રોડ ડેવલપમેન્ટ અને આંગણવાડી કેન્દ્રના વિકાસ કામના ખાતમુહૂર્ત
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ. ૨૭ કરોડ ૭૭ લાખના ખર્ચે લોધિકા-રીબડા-કોટડાસાંગાણીને જોડતા ૩૧ કિ.મી. રોડના રીસરફેસિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી
રૂ. ૨૨ કરોડ ૮૮ લાખના ખર્ચે કોઠારીયા-કોટડાસાંગાણી રોડના રીસરફેસિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી
રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણાધીન કુલ-૧૫ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્રને આગળ વધારતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા વિવિધ વિકાસકામોની ભેટ આજે રાજકોટને મળી છે. રાજ્યના મહિલા અને બાળ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આજરોજ રૂ. ૫૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર હેઠળ રાજકોટના લોધિકા અને કોટડાસાંગાણી વિસ્તારને સ્પર્શતા રસ્તાઓનાં નવીનીકરણની કામગીરી માટે રૂ. ૫૦ કરોડ ૬૫ લાખના કામો અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા અંદાજીત રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે નવ નિર્માણાધીન ૧૫ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રી ભાનુબેનના હસ્તે કોટડા સાંગાણી ખાતે કરવામાં આવ્યું હતું.
કોટડા સાંગાણી ખાતે મંત્રીશ્રી ભાનુબેનના હસ્તે થયેલા ખાતમુહૂર્ત અન્વયે રાજકોટના લોધિકા તાલુકાના લોધિકા-રીબડા-કોટડાસાંગાણીને જોડતા ૩૧ કિ.મી રોડનું રીસરફેસિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી રૂ. ૨૭ કરોડ ૭૭ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ રાજકોટના કોઠારીયા-કોટડાસાંગાણી રોડનું રીસરફેસિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી માટે રૂ. ૨૨ કરોડ ૮૮ લાખ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા આ રસ્તાના નિર્માણ થકી પ્રજાજનોની સુવિધાઓમાં વધારો થશે.
બાળકો, દીકરીઓ, કિશોરીઓ તેમજ સગર્ભા માતાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પંચાયત, રાજકોટ આઈ.સી. ડી. એસ. વિભાગ હેઠળ અંદાજીત રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણાધીન કુલ-૧૫ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પડધરી તાલુકાનાં વિવિધ ૧૧ ગામમા કુલ-૧૨ આંગણવાડી કેન્દ્ર તેમજ ઉપલેટા તાલુકાના વિવિધ ગામમાં કુલ-૦૩ આંગણવાડી કેન્દ્રનું નિર્માણ થશે.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ તકે કોટડા સાંગાણીની ઠાકોરશ્રી મુળવાજી વિનિયન કોલેજની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રવૃત્તિની સરાહના કરી હતી.
રાજકોટના કોટડા સાંગાણી ખાતે આયોજિત વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અર્જુનભાઈ ખાટરિયા, ગ્રામ પંચાયતના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ટીલાળા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ, રવિભાઈ, મહિલા અને બાળ વિભાગ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.